મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાકોર મંદિરમાં ભીડ નિયંત્રિત કરવા કર્મચારીએ લાઠી વરસાવી, Video થયો વાયરલ

પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે દેવ દિવાળીના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવ

પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે દેવ દિવાળીના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, પરંતુ આ ભવ્ય પર્વમાં મંદિરના કર્મચારી દ્વારા ભક્તો પર લાઠી વરસાવવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.

ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં દેવ દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ડાકોરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેમાં લગભગ 7 થી 8  લાખ ભાવિક ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે પડાપડી કરી હતી.

52 ગજની ધજા

અનેક શ્રદ્ધાળુઓ લાંબા અંતરથી 52 ગજની ધોળી ધજા લઈને પગપાળા ચાલીને ભગવાનના આશીર્વાદ લેવા ડાકોર પધાર્યા હતા.

ભગવાનનો શણગાર

આજના પાવન દિવસે કાળિયા ઠાકોરે મોટો મુગટ ધારણ કર્યો હતો અને તેઓ શ્વેત વસ્ત્રોમાં શોભાયમાન થયા હતા. મંદિરમાં ભગવાને અતિ મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

દર્શન સમય:

લાખોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા દર્શનનો સમય વધારવામાં આવતાં ભાવિક ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને તેઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકેશમાંથી રણછોડરાય બનવાનો મહિમા

આજના દિવસનો પૌરાણિક ઇતિહાસ પણ અનેરો છે. માન્યતા મુજબ, આજના જ દિવસે સંવત 1212 માં ભક્ત બોડાણાની ભક્તિથી પ્રેરાઈને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી ગાળામાં બેસીને ડાકોર પધાર્યા હતા. આ ઘટના બાદ જ તેઓ દ્વારકામાં 'દ્વારકેશ' અને ડાકોરમાં 'રણછોડ' તરીકે ઓળખાયા. ભક્ત બોડાણાનું આ દિવસે ઋણ છોડી ડાકોર પધાર્યા હોવાથી જ તેમને 'રણછોડ' કહેવાય છે.

ભક્તો પર લાઠી વરસાવતા કર્મચારીનો વીડિયો વાયરલ

એક તરફ ભક્તિનો માહોલ હતો, ત્યાં બીજી તરફ વ્યવસ્થાપનની મોટી ચૂક સામે આવી છે. ડાકોર મંદિરના મુખ્ય દ્વાર ખુલતાની સાથે જ દર્શન કરવા માટે ભક્તોએ અંદર દોટ મૂકી હતી. આ જ સમયે ભીડને નિયંત્રિત કરવા માટે મંદિરનો એક કર્મચારી લાઠી લઈને ભક્તો પર વરસાવવા લાગ્યો હતો.

મંદિરના કર્મચારી દ્વારા ભક્તો પર લાઠી વરસાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

દેવ દિવાળી જેવા મોટા પર્વ પર જ્યાં લાખો લોકોની ભીડ અપેક્ષિત હોય, ત્યાં મંદિરના કર્મચારી દ્વારા ભીડ નિયંત્રણ માટે આ પ્રકારે લાઠીનો ઉપયોગ થતાં મંદિર ટ્રસ્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોને લઈને ભક્તોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો