Banaskantha news: ડીસામાં ડમ્પરચાલકો બન્યા બેફામ, મોપેડને અડફેટે લેતા યુવકનું કરુણ મોત
Banaskantha news: બનાસકાંઠાના ડીસા-જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં ટ્રક ચાલકે એ

Banaskantha news: બનાસકાંઠાના ડીસા-જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં ટ્રક ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયા છે. ટ્રક ચાલકો બેફામ બની જતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે.
ડીસા તાલુકામાં નદીમાંથી રેતી ભરીને દોડતાં ટ્રક ચાલકો હાઈવે પર પુરપાટ ઝડપે વાહનો હંકારી વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે અને નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોનો ભોગ લઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કુંભકર્ણ નિદ્રામાં સુતેલું વહીવટીતંત્રના અધિકારીઓ આ અંગે ધ્યાન ન આપતા વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. ડીસા તાલુકાના જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા પૂરપાટ ટ્રકે એકટીવા સાથે અકસ્માત સર્જતા એકટીવા પર સવાર બે યુવકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી, જેમાં એક યુવકનું મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. જ્યારે એક યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં અને રેતી ભરીને દોડતાં વાહનો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે ડીસા તાલુકા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક MLA પ્રવીણ માળી ડીસા સિવિલ ખાતેના PM રૂમ પર પહોંચી પરિવારને સાંત્વના આપી હતી.






