સુરતમાં મોબાઈલ સ્નેચિંગ થતાં મુસાફર ચાલુ ટ્રેનમાંથી કુદયો નીચે, પથ્થરો પર પડતાં પહોંચી ગંભીર ઈજા
સુરતના નામે એક ટ્રેનમાંથી મોબાઇલ સ્નેચિંગનો લાઇવ વિડિયો વાયરલ થઈ રહ

સુરતના નામે એક ટ્રેનમાંથી મોબાઇલ સ્નેચિંગનો લાઇવ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચાલતી ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા એક મુસાફરનો મોબાઇલ સ્નેચિંગ કરવામાં આવે છે. ત્યારબાદ જે મુસાફરનો મોબાઇલ ખેંચવામાં આવે છે તે યુવક દોડતી ટ્રેનમાંથી કૂદી જાય છે. જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હોય તેવું નજરે પડે છે. હાલ તો આ વિડીયો સુરતનો છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. આ સાથે જ સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે હજુ સુધી સુરતમાં આવી કોઈ ઘટના બની હોય તેવું સામે આવ્યું નથી.
કોઈ પુષ્ટિ નહી
સુરતના કતારગામ અલકાપુરી ના નામે વાયરલ થયેલા આ વિડીયો બાબતે રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ વિડિયો સુરત રેલવે પોલીસના ધ્યાનમાં આવ્યો છે. જોકે હજુ સુધી આ વિડીયો સુરતનો હોવાની પુષ્ટિ થઈ નથી. આ સાથે જ જે મુસાફર ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યો છે તે અંગે પણ રેલ્વે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી.
પોલીસ અજાણ
ચાલુ ટ્રેનમાંથી કૂદી પડેલા મુસાફરને ઈજા થઈ હોવાનું વાયરલ વીડિયોમાં જણાવવામાં આવે છે. જોકે હજુ સુધી કોઈ પોલીસ સ્ટેશન કે સુરત રેલવે પોલીસને અંગે કોઈ વર્દી પણ મળી નથી. સુરત રેલવે પોલીસને આ વિડીયો અંગે જાણ છે અને આ વિડીયો સુરતનો છે કે નહીં તે અંગે પુષ્ટિ કરવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ દોડતી ટ્રેનમાંથી કૂદી જનાર યુવક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.








