સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરની દારૂના નશામાં ધમાલ, હોસ્ટેલની રૂમમાં આ રીતે માણી મહેફિલ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાલિકાની સ્મીમેર હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાયદાના લીરેલીરા ઉડતા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાલિકાની સ્મીમેર હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાયદાના લીરેલીરા ઉડતાં હોવાનું સામે આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં થાઈ યુવતીના મામલે ખળખળાટ મચ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પણ અમુક રેસિડન્ટ ડોક્ટરોએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
દારૂની મહેફિલ માણતા દ્રશ્યો
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમા આવેલી સરકારી મેડિકલ કોલેજમાં અભઅયાસ કરતાં વિદ્યાર્થીઓ અને રેસિડન્ટ રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે અમુક રેસિડેન્ટ ડોક્ટરો હોસ્ટેલના રૂમમાં ઐયાસી કરવા માટે અડ્ડો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હોસ્ટેલના એક રૂમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યાં છે.
કાર્યવાહીની માગ
વીડિયોમાં દારૂની બોટલની સાથે ચખનાના પેકેટ પણ જોવા મળી રહ્યાં છે. દારૂની મહેફિલ બાદ ભાન ભૂલેલા અમુક ડોક્ટરો કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સરકારની હોસ્ટેલ કે અન્ય સંપતિની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. કોલેજ દ્વારા આ દિશામાં તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.








