મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ચાર વર્ષમાં 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું, બિનવારસી ડ્રગ્સ મુદ્દે સરકારનું મૌન

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ મળે છે. દેશભરમાં ડ્રગ

ગુજરાતમાં ચાર વર્ષમાં 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું, બિનવારસી ડ્રગ્સ મુદ્દે સરકારનું મૌન

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ મળે છે. દેશભરમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન બન્ને ગુનાહિત કૃત્ય છે છતાં આ દૈત્ય પણ વિકરાળ બની રહ્યો છે. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં કુલ 87.60 ટન ડ્રગ્સ જપ્ત થયું છે જેની બજાર કિંમત રૂપિયા 9680 કરોડ જેટલી થવા જાય છે. 

શું ડ્રગ્સના દૂષણને રોકવા કોઇ એક્શન પ્લાન નથી?

રાજ્યના ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ યોજી યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે રાજ્ય સરકારે કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન આપ્યું હતું પરંતુ જપ્ત ડ્રગ્સ સિવાય કેટલું ડ્રગ્સ ગુજરાત અને ગુજરાતના ગેટ-વે થકી ઘુસી ગયું હશે એ અંગેની કોઇ માહિતી ઉપલબ્ધ થઇ નહતી. રાજ્યમાં મોટા અને નાના શહેરોમાં ઠેર ઠેર ડ્રગ્સ મળે છે, વેચાય છે અને તેનું વ્યસન અજગર ભરડો લઇ રહ્યું છે તે તથ્ય છે. એટલે સરહદી જાપ્તો, ચુસ્ત બંદોબસ્ત અને કડક નિયંત્રણ વચ્ચે પણ છીંડા શોધી પેડલર તે ઘુસાડવામાં ચોક્કસ સફળતા મેળવી રહ્યા છે તે સ્વીકારવું જ રહ્યું પરંતુ અત્યારે કોઇ એક્શન પ્લાન સરકાર કે પોલીસ પાસે હોય તેમ લાગતું નથી.

બીજું વિદેશથી હવે આધુનિક ટેકનોલોજી, ડાર્ક વેબ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી પાર્સલથી ડ્રગ્સ ઘુસી રહ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા અમદાવાદ,વડોદરા અને સુરતમાં નોંધાયા છે. બાતમીના આધારે આ પાર્સલ પકડાય છે પણ કેટલાક ઘુસી જાય છે તે અંગે પણ કોઇ જાણકારી નથી. સૌથી ચિંતાનજક વાત એ છે કે કિશોરો (13થી 18 વર્ષ) આ જીવલેણ નશા તરફ વળી રહ્યાં છે.

રાજ્ય સરકાર ડ્રગ્સના માફિયા નેટવર્કને તોડી પાડવાની કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાન સામે આ મામલે લાંબી લડાઇ લડવાની વાત કરી રહી છે પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટેકા વગર વિશ્વની સૌથી મોટો ગેરકાયદેસર ધંધો કરતી આ કાર્ટેલ તોડી પાડવા માટે કેટલી કેન્દ્રીય અને રાજ્યોની અને વિદેશની ટીમો સાથે સંકલન જોઇએ આ એક જટિલ વાતો છે.દરિયા કિનારે વહીને આવેલું બિનવારસી ડ્રગ્સ પકડી તેને સફળતા ગણાવવી બહુ સહેલી વાત છે.

ગુજરાતમાં 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાત એ ડ્રગ્સનો કારોબારનું કેન્દ્ર બન્યું હોવાના વિપક્ષી દાવાને ફગાવતાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની તમામ પોલીસ અને એજન્સીઓ પડકારજનક પરિસ્થિતિમાં પણ ખડેપગે રહીને બાતમીના આધારે ડ્રગ્સ પકડી રહી છે. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે જે પોલીસની કામગીરી બતાવે છે.

ડ્રગ્સની દાણચોરી અને ઘૂસણખોરી રોકવા માટે રાજ્યના સંવેદનશીલ દરિયાકિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. કેન્દ્રીય એજન્સીઓની સાથે ગુજરાત પોલીસની વિવિધ ટૂકડીઓ ડ્રગ્સના કારોબારને ખતમ કરવા તેમજ ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે કામે લાગી છે. અધિકારીઓ દરિયામાં 15થી 20 દિવસ રોકાઇને પણ ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પકડે છે. સામાન્ય રીતે ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાંથી ડ્રગ્સ ઘૂસે છે પરંતુ તેવી વર્તણૂક પર નજર રાખવા કેન્દ્રીય એજન્સીઓ સાથે ગુજરાત પોલીસ પણ જોડાયેલી હોય છે.

ગુજરાતમાં ઘૂસેલું ડ્રગ્સ શહેરો અને જિલ્લામાં પણ મોટી માત્રામાં પકડાઇ રહ્યું છે. ચાલુ વર્ષે 2024ના એપ્રિલ, મે અને જૂન એમ કુલ ત્રણ મહિનામાં જ અમદાવાદ અને સુરતમાં 53 આરોપી પકડાયા છે અને સાત કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આંકડા પ્રમાણે રાજ્યમાં 2023ના એક વર્ષમાં વિવિધ પ્રકાશના નશીલા પદાર્થો પૈકી ગાંજાના 18 કેસ થયાં છે જેમાં 33.68 લાખનો 336.29 કિલો જથ્થો પકડાયો છે. ચરસના છ કેસમાં 15.52 કરોડનો 31.79 કિલો જથ્થો, એમડીનો 1.56 કરોડનો 1.56 કિલો જથ્થો, ઓપિયમના એક કેસમાં પાંચ લાખનો 1.14 કિલો જથ્થો અને રોમટેરિયલના એક કેસમાં 10.90 લાખનો 10.9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે 2024માં ગૃહ વિભાગે વિવિધ જગ્યાએ 25 કેસ કરીને 2.49 કરોડનો 57.50 કરોડનો જથ્થો પકડ્યો છે.

આ સમાચાર શેર કરો