સુરતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યાં ઝરમર વરસાદી ઝાપટાં
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. સૌરાષ્ટ્ર-ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે પછી સુરતના દરિયાઇ કાઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. અચાનક માવઠું થતાં ચોમાસા જેવો માહોલ બન્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં ઝરમર વરસાદ
રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેકઠેકાણે માવઠું થવાની પુરેપુરી શક્યતા છે. આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદો માહોલ છવાયો છે. સુરત જિલ્લામાં વાતાવરણ પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાંપટા શરૂ થયા છે. ખાસ કરીને સુરતમાં દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં મોર, ભગવા જીણોદ સહિતમાં ગામોમાં માવઠુ થતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
માવઠાની આગાહી
માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, મહીસાગરમાં વાતાવરણ વાદળછાયું બન્યુ છે. વાદળછાયું વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. જો માવઠું થશે તો કેરીના પાકને નુકસાન થઇ શકે છે. આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે.








