મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: જાણીતા વિસ્તારના કરોડોના બંગલા અને ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર, AMCના અણઘડ વહિવટથી લોકો મુશ્કેલીમાં

સારુ જીવન-ધોરણ અને રોજગારી મળે તે માટે ગુજરાતના વિવિધ શ

Ahmedabad news:  જાણીતા વિસ્તારના કરોડોના બંગલા અને ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર, AMCના અણઘડ વહિવટથી લોકો મુશ્કેલીમાં

સારુ જીવન-ધોરણ અને રોજગારી મળે તે માટે ગુજરાતના વિવિધ શહેરો તથા બહારના રાજ્યોમાંથી લોકો અમદાવાદમાં આવીને વસવાટ કરે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણધડ આયોજનના કારણે નવા ભળેલા વિસ્તારની અનેક સોસાયટીના લોકો નર્કાગાર હાલતનો સામનો કરી રહ્યા છે. વટવા વિસ્તારમાં મ્યુનિસિપલે આંખો બંધ કરીને 17 ટીપી રોડ ખોલી નાંખ્યા છે. જેના પર આજે અઢી-ત્રણ કરોડ રૂપિયાની કિંમતના બંગલા અને 30થી 40 લાખ રૂપિયાની કિંમતના ફ્લેટ લોકોએ ખરીદ્યા છે. પરંતુ નેટવર્ક જ નહીં હોવાથી આ તમામના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે આપી દેવાયા છે.

ડ્રેનેજ કે પાણીનું નેટવર્ક ઊભું કરાયું નથી

નળ, ગટર અને રસ્તાની સુવિધા મળતી હોય તેવા વિસ્તારને નગર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેર તેનાથી આગળ વધીને મહાનગર તરીકે ઓળખાય છે. પરંતુ આજે પણ અહીં નવા વિસ્તારોમાં લોકોને નળ કે ગટરની સુવિધા મળી નથી. મળતિયાઓના લાભાર્થે મ્યુનિસિપલે ટીપી સ્કીમો ખોલીને રસ્તા બનાવી દીધા છે. પરંતુ ડ્રેનેજ કે નળ માટેનું નેટવર્ક ઊભું કર્યું નથી. આવો જ એક વિસ્તાર વટવા અને નારોલ છે. 

 અડધા દસકામાં અહીં 17 જેટલા ટીપી રોડ ખોલવામાં આવ્યા છે. રસ્તા બનાવી દેવાયા બાદ તેની આસપાસ બંગલા અને ફ્લેટની મોટી મોટી સ્કીમો ઉભી કરી દેવાઈ છે. ડ્રેનેજ નેટવર્કના અભાવે તેના કનેક્શનો વટવા કેનાલ અથવા તો તળાવો અને ખુલ્લા પ્લોટમાં આપી દેવાયા છે. થોડા સમય પહેલા સરદારનગરમાં નિર્માણ પામેલી સ્થિતિની જેમ આ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનો ગમે ત્યારે કપાઈ શકે છે. પોતાની મરણ મુડીને ખર્ચીને લીધેલા મકાનોની આ ખરાબ સ્થિતિથી લોકો અજાણ છે. બાંધકામોની મંજૂરી પેટે મ્યુનિસિપલને તોતિંગ રકમની ફી ચૂકવાઈ છે. પ્રોપર્ટી ટેક્સ પેટે લાખો રૂપિયા લોકો મ્યુનિસિપલને ચૂકવી રહ્યા છે. છતાં તેના ડ્રેનેજ કનેક્શનો ગમે ત્યારે કપાઈ શકે છે. 18,518 કરોડ રૂપિયાના આગામી વર્ષના અંદાજપત્રમાં આવી મુશ્કેલીઓમાંથી લોકોનો કંઈ ઉદ્ધાર થાય તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો