મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડર, ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી બે શખ્સોની કરી હત્યા

Ahmedabad News : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે.હાલમાં જ જુહાપુરામાં

AHMEDABAD :  ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડર, ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી બે શખ્સોની કરી હત્યા

Ahmedabad News :  અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે.હાલમાં જ જુહાપુરામાં જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં આરોપીઓએ હજુ પોલીસ પકડથી દૂર છે તેવામાં ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં પણ અગાઉના ઝઘડાની અદાવત રાખીને સામ સામે તલવાર સહિતના હથિયારોથી મારામારી થતા બે લોકો મોતને ભેટ્યા છે. 

ગોમતીપુરમાં બુધવારે મોડી રાત્રે બે યુવકોની હત્યા

અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન પાસેના છે. આ સ્થળે બુધવારે મોડી રાત્રે બે યુવકોની હત્યાની ઘટના બની છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા આમીર ઉર્ફે ભાંજા અંસારી અને તબરેજખાન પઠાણ નામનાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ઈદના દિવસે મૃતક આમીર ઉર્ફે ભાંજા અંસારી વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ પાસે સમીર અહેમદ મણીયારના ગલ્લા પર ગયો હતો અને બળજબરીથી પૈસા માંગ્યા હતા, જે પૈસા ન આપતા તેણે 1700 રૂપિયા પડાવી લીધા હતા. જે બાબતે ઝધડો થતા 19મી જુનના રાતના સાડા અગિયાર વાગે આસપાસ ફરિયાદી ઈમ્તીયાઝ અંસારી તેનો મિત્ર આમીર ઉર્ફે ભાંજા અંસારી તેમજ તબરેજ પઠાણ અને તેનો મિત્ર સમીર તલવારો લઈને ચતુરસિંગની ચાલી પાસે એકઠા થયા હતા.

ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવ્યાં અને હુમલો કર્યો

દરમિયાન આમીરના મોબાઈલ પર કામીલ મણિયારે ફોન કરી અગાઉના ઝઘડાનું સમાધાન કરવા માટે તેનો ભાઈ સમીર અહેમદ તેને ઘર પાસે બોલાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી તેના મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યો હતો. તે સમયે ત્યાં સમીર અહેમદ મણિયાર, કામીલ મણિયાર અને સાહિલ મણિયાર ત્રણેય ભાઈઓ ત્યાં હાજર હતા અને સમાધાન ન થતા મારામારી થઈ હતી. 

આ દરમિયાન આમીર અંસારી પાસે રહેલી તલવાર છીનવીને સમીર અહેમદે તેના પર ઉપરાછાપરી હુમલા કર્યા હતા. તે સમયે ઈમ્તીયાઝ અંસારી અને તબરેજ ભાગવા જતા કામીલે ઈમ્તીયાઝના હાથમાં રહેલી તલવાર ઝુંટવી લીધી હતી અને આ તલવારથી તબરેજ પઠાણ પર  હુમલો કર્યો હતો. આ સમયે ભાગવા જતા ઈમ્તીયાઝ પણ નીચે પડી જતા સાહીલ મણિયારે લોખંડની પાઈપથી માર માર્યો હતો. બુમાબુમ થતા ત્રણેય ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતા. 

ગોમતીપુર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ 

આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઈમ્તીયાઝને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેને જાણ થઈ હતી કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આમીર અંસારી અને તબરેજ પઠાણનું મોત થયું છે. જેથી આ મામલે ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી

એક જ સમયે બે હત્યાની ઘટના બનતા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જોકે આરોપીઓ આ ઘટના બાદ ફરાર થઈ જતા શહેર પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. 

આ ઘટનામાં મોતને ભેટનાર આમીર ઉર્ફે ભાંજા અંસારી સામે અગાઉ રાયોટીંગ, ચોરી સહિતના 21 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ તો પોલીસે આ કેસમાં એક આરોપીની અટકાયત કરી અન્યની શોધખોળ તેજ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે ગોમતીપુર વિસ્તારને બાનમાં લેનાર ગુનેગારો ક્યારે પોલીસની પકડમાં આવે છે.

આ સમાચાર શેર કરો