મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: સાયલામાં ખનીજ માફિયાઓ પર તંત્રની સતત ચોથા દિવસે તવાઈ, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ સત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ સતત ચોથા દિવસે તવાઈ બોલાવી છે. મોટા કેરાળા ગામ પાસે ભોગાવો નદી નજીક આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ સીઝ કરાયો છે.

મશીનરી અને વાહનો જપ્ત

મળતી માહિતી અનુસાર, દરોડા દરમિયાન ખાણ પરથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સામેલ મોટા કાફલાને ઝડપી પાડવામાં આવ્યો છે. ખનીજની હેરાફેરી માટે વપરાતા 17 ડમ્પર, જમીન ખોદકામ માટે વપરાતા 2 એક્સકેવેટર મશીન સહિત કુલ મળીને 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરી કેરાળા રોડ પરની ક્વોરી ખાતે રાખવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન ખાણ પરથી સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાણ પર બ્લાસ્ટિંગ માટે વપરાતા એક્સપ્લોઝિવ (વિસ્ફોટકો) રઝળતી હાલતમાં મળી આવ્યા હતા. ગેરકાયદે ખનન માટે આ ખતરનાક વિસ્ફોટકોનો ઉપયોગ થતો હોવાની આશંકાએ તંત્ર દ્વારા આ મામલે પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.

માપણીની પ્રક્રિયા તેજ

સાયલા વિસ્તારમાં કાર્બોસેલ અને પથ્થરની ચોરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ખનીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પથ્થરની ખાણમાંથી અત્યાર સુધી કેટલું ગેરકાયદે ખોદકામ થયું છે તેની ચોકસાઈપૂર્વક માપણી કરવામાં આવશે. માપણી બાદ ખનીજ ચોરીની ચોક્કસ રકમ નક્કી કરી જવાબદારો પર મોટો દંડ ફટકારવામાં આવશે.

આ સમાચાર શેર કરો