મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તાંત્રિક નવલે કરેલી મહિલાની હત્યામાં તપાસ અટકી, વઢવાણ અને વાંકાનેર પોલીસ વચ્ચે હદનો વિવાદ

સરખેજ પોલીસ દ્વારા તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. આ સ

તાંત્રિક નવલે કરેલી મહિલાની હત્યામાં તપાસ અટકી, વઢવાણ અને વાંકાનેર પોલીસ વચ્ચે હદનો વિવાદ

સરખેજ પોલીસ દ્વારા તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. આ સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાનું  રવિવારે 8 ડિસેમ્બરે  પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. મરતા પહેલા આ તાંત્રિકે  13 વર્ષમાં 12 હત્યા કર્યાની કબૂલાત કરી હતી, જેમાં 3 તેના પરિવારના સભ્યો હતા. સરખેજ પોલીસે આ 12 હત્યાના કેસોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી તપાસ કરવા કહ્યું છે. 

તાંત્રિક નવલે 12 હત્યાઓ કરી એમાં વાંકાનેરની એક મહિલા નગમા પણ સામેલ હતી. જો કે આ મહિલાની હત્યાની તપાસ અટકી છે, જેમાં બે શહેરની પોલીસ વચ્ચે હદનો વિવાદ કારણભૂત બન્યો છે. 

વઢવાણ અને વાંકાનેર પોલીસ વચ્ચે હદના વિવાદથી નગમાની હત્યાની તપાસ અટકી 

તાંત્રિક નવલે અને તેના મળતિયાઓએ ભેગા મળીને વઢવાણમાં રેહતી નગમા નામની મહિલાની હત્યા કરી હતી. આરોપીઓએ નગમાના મૃતદેહના ટુકડા કરીને વાંકાનેરમાં નાખી દીધા હતા. તાંત્રિક નવલે કરેલી આ કબૂલાતના આધારે સરખેજ પોલીસે વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસને તપાસ કરવા પત્ર લખી જાણ કરી હતી. 

પરંતુ હદની બાબતને લઈને વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસ સરખેજ પોલીસની મદદ ન કરતી હોવાનું સામે આવ્યું છે. નગમાનો મૃતદેહ શોધવા માટે વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસ હદનો વિવાદ ઊભો કરી રહી છે. 

તાંત્રિક નવલે 3 વર્ષમાં 12 હત્યાઓ કરી 

સરખેજ પો.સ્ટે. ગુના રજી નં. 918/24ના ગુના કામે તારીખ 3/12/24ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીને તારીખ 10/12/24 સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 જેટલા મર્ડર સોડીયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના પડધરીમાં, 1 અંજારમાં, 1 વાંકાનેરમાં અને 3 પોતાના પરિવારમાંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી.

કેવી રીતે મેળવ્યું હતું સોડિયમ નાઇટ્રાઇટ?

પૂછપરછ દરમિયાન, નવલ ચાવડાએ ખુલાસો કર્યો હતો કે તેણે સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રાઇટ મેળવ્યું હતું અને વઢવાણમાં એક મંદિરમાં ગુપ્ત વિધિઓ કરી હતી. પોલીસે એ પણ શોધી કાઢ્યું હતું કે ચાવડાને ત્રણ બાળકો હતા અને તે કુટુંબના માણસ અને તાંત્રિક તરીકે બેવડું જીવન જીવતો હતો.

લોકઅપમાં અચાનક મૃત્યુ

8 ડિસેમ્બરની સવારે, ચાવડા પોલીસ કસ્ટડીમાં બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. તેને ઉલટી થઈ અને ભાંગી પડ્યો, અધિકારીઓએ તેને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. તાત્કાલિક તબીબી સારવાર મળવા છતાં ચાવડાને મૃત જાહેર કરાયા હતા. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુની કસ્ટોડિયલ પ્રકૃતિને જોતા, ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું, “અમે તેમના મૃત્યુના સંજોગોમાં પારદર્શક તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આગળની કાર્યવાહીનું માર્ગદર્શન આપશે.”

આ સમાચાર શેર કરો