ધોરાજીના નાની પરબડી ગામે 21 વર્ષના દલિત યુવકની હત્યા, પરિવારે મૃતદેહનો કર્યો અસ્વીકાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે 21 વર્ષના દલિત યુવકનો હત્યા કરાયેલી આવસ્થામાં મૃતદ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે 21 વર્ષના દલિત યુવકનો હત્યા કરાયેલી આવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવકના પરિવારજનોએ હત્યારા શકમંદોના નામ પોલીસને જણાવી જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
મૃતદેહ પર ગળાના ભાગે દોરીના નિશાન, માથાના ભાગે પથ્થર માર્યાના ઘાના નિશાન
ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આજે વહેલી સવારે સાગઠીયા પરિવારના સુરાપુરા દાદાની મંદિરની બાજુમાં 21 વર્ષના દલિત યુવાન વિમલ ઉકાભાઇ સાગઠીયાનો હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહ પર ગળાના ભાગે દોરીના નિશાન હતા તેમજ માથાના ભાગે પથ્થર માર્યા હોય એવા ઘાના નિશાન હતા. ગ્રામજનો અને સરપંચને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારવાની આપી ચીમકી
મૃતક યુવકના પરિવારજનોએ તેની હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા છે અને શકમંદોના નામ પણ આપ્યા છે. ધોરાજી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બહાર મૃતક યુવકના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થઇ ગયા હતા અને હત્યારાઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી આપી છે.






