વિકાસ બન્યો શોભાના ગાંઠિયા સમાન, નસવાડીના ગોયાવાંટમાં 50 હજાર લિટરની પાણીની ટાંકીમાં પાઈપ જોડવાનું ભૂલાયું!
નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામના કાચલી ફળિયામાં ઘરે ઘરે પાણી મળે તે માટે કામ હાથ ધરા

નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામના કાચલી ફળિયામાં ઘરે ઘરે પાણી મળે તે માટે કામ હાથ ધરાયું હતું. પાણી પુરવઠા વિભાગ દ્વારા 50 હજાર લિટર પાણી ભરાઈ શકે એટલી મોટી પાણીની ટાંકી લાખો રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. પરંતુ ગામમાં ઘરો સુધી પાણી પહોંચે તે માટે પાઇપલાઈનો જ કરવામાં આવી નથી. જયારે અધિકારીઓ ફક્ત ટાંકીનો ખોખું તૈયાર કરી સરકારી ચોપડે ચૂનો ચોપડી લાખો રૂપિયાના બીલો બનાવી દીધા હતાં.
ટાંકીના નામે ભ્રષ્ટાચાર
આજ દિન સુધી ટાંકીનું એક પણ ટીપું પાણી ગ્રામજનોને મળ્યું જ નથી. જ્યારે ટાંકીમાં પાણી ભરવા માટે આસપાસ કોઈ પણ પાણીનો બોર કરવામાં આવ્યો નથી. જયારે પાણીની લાઈનો ટાંકીથી ફળિયા સુધી કરવાની હતી. પરંતુ અધિકારીઓ ટાંકી બનાવીને ગયા પછી પાછું વળીને ટાંકીને જોવા માટે પણ આવ્યા નથી. જ્યારે લોકોનો આક્ષેપ છે કે, સરકારે લાખો રૂપિયા ટાંકી બનાવવા માટે પાણી પુરવઠા વિભાગને ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ ટાંકીનું કામ તકલાદી કરીને કાગળો ઉપર જ ટાંકી બતાવી દેવામાં આવી અને મોટા પાયે ભષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં
સરકારે આદિવાસી વિસ્તારના વિકાસ માટે નલ સે જળ યોજનામાં કરોડો રૂપિયા નસવાડી તાલુકામાં ફાળવ્યા હતા. ગામે ગામ ટાંકીઓ બનાવવામાં આવી હતી. પરંતુ ક્યાંક પાણીની પાઇપલાઈનો કરવામાં નથી તો ક્યાંક નળો બેસાડવામાં નથી આવ્યા. તો ક્યાંક જૂની ટાંકી ઉપર કલર મારી નવી ટાંકી દેખાડવામાં આવી છે. આ રીતના કામગીરી કરી અધિકારી અને કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં જતા રહ્યા હતાં. જેના કારણે આ યોજનાનો લાભ ગામજનોને મળ્યો નથી. પાણીની ટાંકી ગામે ગામ શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે. જેથી દિલ્લી અને ગાંધીનગરના અધિકારીઓ નસવાડી તાલુકાની ટાંકીઓની તપાસ કરે તો પાણી પુરવઠા વિભાગ પોપડા ઉખડે તેમ છે.








