ખંભાળિયામાં ફ્રી પાનકાર્ડની લાલચ આપી 9 લોકોના બેંક ખાતાનો દુરુપયોગ, બે ઠગ ઝડપાયા

ખંભાળિયામાં ફ્રી પાનકાર્ડની લાલચ આપી 9 લોકોના બેંક ખાતાનો દુરુપયોગ, બે ઠગ ઝડપાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વિના મૂલ્યે પાનકાર્ડ બનાવી આપવાનું કહી બે શખસોએ વિશ્વાસ કેળવીને કુલ 9 વ્યક્તિઓના દસ્તાવેજો મેળવી લીધા હતા. આ પછી આરોપીઓએ સ્થાનિકોના ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂ.36 લાખના નાણાકીય વ્યવહારો કર્યા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા ખંભાળિયા અને કેશોદ તાલુકાના બે શખસોને પોલીસે દબોચી લીધા છે.

ખંભાળિયામાં ફ્રી પાનકાર્ડની લાલચે 9 લોકો સાથે ઠગાઈ

જાહેરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક આસામી તથા અન્ય આઠ વ્યક્તિઓના ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, રાજકોટની એક બેંકની શાખામાં આ લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જો કે, આ મામલે તેઓને જાણ જ નહોતી. જેની વધુ તપાસ કરતાં જણાયું કે, અન્ય કોઈ વ્યક્તિએ ગેરકાયદે વ્યવહાર કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાઓ અને ખોટી સહીઓ કરીને આ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. સમગ્ર મામલે ખંભાળિયાના ભરાણા ગામના લોકોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ વિભાગમાં અરજી કરી હતી.

ડમી બેંક ખાતા ખોલી લાખોની હેરાફેરી કરનારા 2 ઝડપાયા

સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસે BNS અને IT એક્ટની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધીને ફરિયાદ અને જરૂરી દસ્તાવેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે શોધખોળ હાથ ધરી હતી. આ પ્રકરણમાં ખોટા બેંક એકાઉન્ટ બનાવી અને તેમાંથી રૂ.36 લાખના નાણાકીય વ્યવહારો કરીને ગુનો આચરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું.

છેતરપિંડી અને IT એક્ટના ગુનામાં પોલીસે ખંભાળિયાના ભરાણા ગામના રહેવાસી અશોકપરી દયાલપરી ગોસ્વામી અને જૂનાગઢના કેશોદ ગામના રહેવાસી ચેતનભારથી કેશુરભારથી ગોસાઈ નામના બે શખસોની ધરપકડ કરી પાંચ દિવસના પોલીસ રિમાન્ડની કાર્યવાહી કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત