ગુજરાત / પિતાનું અવસાન થતા સ્મશાનયાત્રા પુરી કરી આખા પરિવારે કર્યું મતદાન, જાણો ક્યાંની છે આ ઘટના
Lok Sabha Election 2024 : આપણા દેશના બંધારણે આપણને મતદાન કરવાનો અધિકારી આપ્યો છ

Lok Sabha Election 2024 : આપણા દેશના બંધારણે આપણને મતદાન કરવાનો અધિકારી આપ્યો છે. દરેક નાગરિકની ફરજ છે કે દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરે. આમ છતાં દર ચૂંટણીમાં ઘણા નાગરિકો મતદાન કરતા નથી. તો ઘણા નાગરિકો એવા પણ છે જે ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ મતદાન કરે છે અને અન્ય નાગરિકોને ઉદાહરણ પૂરું પાડે છે. ગુજરાતના એક પરિવારે આવી જ રીતે પરિવાર પર આવી પડેલા સંકટ વચ્ચે પણ મતદાન કર્યું.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના આંબેચા ગામે બ્રહ્મભટ્ટ પરિવારના મોભી 92 વર્ષીય બાબુભાઈ પ્રાગજીભાઈ લખવાણીનું આજે વહેલી સવારે 5 વાગ્યે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. બાબુભાઈના પ્રાણ ગયા એ પહેલા તેમણે તેમના ત્રણ પુત્રો રણજીતભાઈ, ધર્મેશભાઈ અને અમિતભાઈને બોલાવીને કહ્યું હતું, “મને છાતીમાં બહુ દુઃખે છે, કદાચ મારું મૃત્યુ થાય તો મારા અગ્નિસંસ્કાર કરીને લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા જજો.”
પિતાની ઈચ્છા પૂરી કરવા માટે બાબુભાઈના પુત્રોએ અગ્નિસંસ્કાર કર્યા પછી એક સાથે લખવાણી પરિવારના તમામ સભ્યો સાંજે 5:30 વાગે અંબેચા પ્રાથમિક શાળામાં મતદાન મથકે પહોંચી ગયાં હતાં અને પરિવારના તમામ સભ્યોએ મતદાન કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લખવાણી પરિવારમાં આવો અઘટિત બનાવ બન્યો હોવા છતાં પરિવારે પિતાના વચનનું પાલન કર્યું છે. લખવાણી પરિવારે લોકશાહીના મહાપર્વમાં મત આપી પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે.






