આદિવાસી વિસ્તારમાં મોડેલ સ્કૂલની દુર્દશા, શિક્ષકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં વિદ્યાર્થીઓનું ભણતર બગડવાનો ડર
એક તરફ સરકાર તમામ સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં બદલવાનું કામ કરી રહી છે તો બીજી તરફ ડેડિયાપાડા વિસ્તારમાં આવે

એક તરફ સરકાર તમામ સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં બદલવાનું કામ કરી રહી છે તો બીજી તરફ ડેડિયાપાડા વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલની દુર્દશા જોવા મળી રહી છે.આદિવાસી વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે સ્કૂલમાં છ શિક્ષક છે જેમાંથી પાંચ શિક્ષકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. જોકે, સ્કૂલ ખુલવાને એક અઠવાડિયા ઉપર સમય થઇ ગયો હોવા છતા આ શિક્ષકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં ના આવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. સ્કૂલના આચાર્ય શિક્ષકોને ગમે ત્યારે સ્કૂલમાંથી કાઢી મુકવાની બાંહેધરી માંગી રહ્યાં છે જેને કારણે શિક્ષકોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
ટ્રાઇબલ વિસ્તારમાં અંધેર વહીવટ
ડેડિયાપાડા વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલમાં અંધેર વહીવટ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે અને બાળકોના ભવિષ્યની કોઇને પડી ના હોય તેવી વાત સામે આવી છે. ડેડિયાપાડામાં આવેલી મોડેલ સ્કૂલમાં ધોરણ 6થી 12ના વર્ગ ચાલે છે. 440 આદિવાસી વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ મોટા મોટા ચોપડા લઇને સ્કૂલમાં તો આવે છે પણ શિક્ષકોને ભણાવવાનો કોઇ હક નથી.
ડેડિયાપાડા મોડેલ સ્કૂલમાં છ શિક્ષક છે જેમાંથી પાંચ શિક્ષક 11 વર્ષના કરાર પર આધારિત છે. 15 જૂનથી સ્કૂલો ખુલી હોવા છતા આ શિક્ષકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી. આચાર્યએ શિક્ષકોને કહ્યું કે, તમે લેખિતમાં બાંહેધરી આપો કે અમે તમને ગમે ત્યારે છુટા કરીશું. શિક્ષકોએ આ વાતને લઇને કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
GSTV દ્વારા જ્યારે ડેડિયાપાડાની મોડેલ સ્કૂલની મુલાકાત લેવામાં આવી ત્યારે સવારે 8.30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓની હાજરી હતી પણ શિક્ષકો જોવા મળતા નહતા અને આચાર્ય ઓફિસમાં બેસી રહ્યાં હતા. શનિવારની સમૂહ પ્રાર્થના પણ કરવામાં આવી નહતી અને સ્કૂલમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા, સાફ સફાઇ પણ કરવામાં આવી નહતી.
શિક્ષક અને આચાર્ય વચ્ચેની લડાઇને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરી તો છે પણ શિક્ષકોની હાજરી હોવા છતા પણ હાજર નથી. ડેડિયાપાડા મોડેલ સ્કૂલના આચાર્ય દ્વારા શિક્ષકો સાથે ગેર શિસ્તભર્યુ વર્તન કરવામાં આવે છે. ડેડિયાપાડા મોડેલ સ્કૂલનું કરોડ રૂપિયાનું બિલ્ડિંગ શિક્ષણ વિના અને શિક્ષકો વિના શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે.








