મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાઈક પર નીકળતા પહેલા હેલ્મેટ પહેરજો! અમદાવાદમાં પાંચ વર્ષમાં ટુ-વ્હીલ અકસ્માતમાં મોતનો આંકડો ચિંતાજનક

અમદાવાદ ટ્રાફિક પોલીસના 2021થી જુલાઈ 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર, શહેરમાં કાર

બાઈક પર નીકળતા પહેલા હેલ્મેટ પહેરજો! અમદાવાદમાં પાંચ વર્ષમાં ટુ-વ્હીલ અકસ્માતમાં મોતનો આંકડો ચિંતાજનક
આ સમાચાર સાંભળો

અમદાવાદ ટ્રાફિક પોલીસના 2021થી જુલાઈ 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર, શહેરમાં કાર અને ટુ-વ્હિલર સાથે કુલ 5,145 રોડ અકસ્માત નોંધાયા છે. આ અકસ્માતોમાં 1,226 લોકોનાં મોત થયા છે, જ્યારે 2,783 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક પોલીસના અહેવાલો અનુસાર, ટ્રાફિક નિયમોનું સતત ઉલ્લંઘન, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને વધુ પડતી ઝડપ શહેરના મુખ્ય માર્ગો પર વધતી જાનહાનિના મુખ્ય કારણો છે.

ટુ-વ્હિલર અકસ્માતોમાં સૌથી વધુ મોત

કુલ અકસ્માતોની સંખ્યા કારની સરખામણીએ ઓછી હોવા છતાં ટુ-વ્હિલર અકસ્માતોમાં સૌથી વધુ લોકોનાં મોત થયા છે. સાડા પાંચ વર્ષના સમયગાળામાં મોટરસાઇકલ અને સ્કૂટરના કુલ 2,236 અકસ્માત નોંધાયા હતા. જેમાં 665 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 1,169 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 402 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ટ્રાફિક વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ટુ-વ્હિલર અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવું માથાની ઈજાનું સૌથી મોટું કારણ છે.

કાર અને અન્ય ફોર-વ્હિલર સાથે કુલ 2,909 અકસ્માત નોંધાયા હતા. તેમાં 561 લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 1,614 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 734 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. માત્ર જુલાઈ 2026 સુધીમાં જ શહેરમાં ખાનગી વાહનો સાથે થયેલા અકસ્માતોમાં 118 લોકોનાં મોત થયા હતા. તેમાં 322 કાર અકસ્માતોમાં 64 મોત, જ્યારે 238 ટુ-વ્હિલર અકસ્માતોમાં 54ના મોત થયા હતા.

મોડી રાત્રે ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમોના ભંગ અકસ્માતો વધ્યા

સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે, સિંધુભવન રોડ અને સરદાર પટેલ રિંગ રોડ જેવા રસ્તાઓ પર ઓવરસ્પીડિંગને કારણે મોડી રાતે વધુ અકસ્માતો નોંધાયા છે. ટ્રાફિક વિભાગના સર્વે અનુસાર, સિગ્નલ તોડવા, ગેરકાયદેસર સ્ટ્રીટ રેસિંગ, દારૂ પીને ડ્રાઇવિંગ કરવું અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં નોંધાઈ છે. ટુ-વ્હિલર પર ત્રિપલ સવારી અને હેલ્મેટ વગર વાહન ચલાવવાથી ઓછી ઝડપે થતા સામાન્ય અકસ્માતો પણ ઘણીવાર જીવલેણ બની જાય છે.

ઝડપમાં તફાવત અને રસ્તાની ખામીથી અકસ્માતોની ગંભીરતા વધી

રોડ સેફ્ટી નિષ્ણાતો પ્રમાણે, વધુ ઝડપવાળા માર્ગો પર વધતી જાનહાનિ પાછળ રસ્તાની બનાવટ અને ડ્રાઇવિંગ કરવાની પદ્ધતિ મોટેભાગે જવાબદાર રહી છે.

ઝડપમાં મોટો તફાવત: SG હાઈવે જેવા પહોળા માર્ગો પર ફોર-વ્હિલર 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જ્યારે ટુ-વ્હિલરની ઝડપ સામાન્ય રીતે 40થી 50 કિમી પ્રતિ કલાક હોય છે. ઝડપના આ મોટા તફાવત વચ્ચે અચાનક લેન બદલવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

વાહનોમાં સુરક્ષાનો તફાવત: કારમાં ક્રમ્પલ ઝોન અને એરબેગ જેવી સુરક્ષા વ્યવસ્થા હોય છે, જ્યારે ટુ-વ્હિલર ચાલકોને આ પ્રકારની કોઈ સુવિધાનો લાભ મળતો નથી.

જંકશનની ડિઝાઇનમાં ખામી: મુખ્ય માર્ગોના જંકશન પર પૂરતા ચેતવણી સૂચક બોર્ડ, યોગ્ય રીતે ડિઝાઇન કરાયેલા મીડિયન કટ અને ધીમી ગતિના વાહનો માટે અલગ લેનનો અભાવ જોવા મળે છે.

અપૂરતું અમલીકરણ: બ્રેથલાઇઝર ચેકપોઇન્ટ અને સ્પીડ-ગન ચેકિંગ હજુ પણ સમગ્ર માર્ગ પર રાખવાને બદલે અમુક સ્થળો પર જ જોવા મળે છે.

નિષ્ણાતોએ સૂચવેલા તાત્કાલિક નિવારણ માટેના પગલાં

ખાનગી વાહનોના અકસ્માતો ઘટાડવા માટે રોડ સેફ્ટી નિષ્ણાતોએ કેટલાક ટેક્નિકલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પગલાં સૂચવ્યા છે:

સેક્શન આધારિત સ્પીડ મોનિટરિંગ: ISCONથી વૈષ્ણોદેવી સુધીના માર્ગ જેવા હાઈ-રિસ્ક કોરિડોર પર પોઈન્ટ-ટુ-પોઈન્ટ એવરેજ સ્પીડ કેમેરા લગાવીને સતત ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી કરવી.

જંકશનનું રી-ડિઝાઇનિંગ: સિંધુભવન રોડ અને SP રિંગ રોડના મીડિયન કટ પર રંબલ સ્ટ્રીપ્સ, બોલાર્ડ્સ અને બ્લિંકર્સ લગાવીને અપૂરતા પ્રકાશવાળા બ્લાઈન્ડ સ્પોટ દૂર કરવા જોઈએ.

મોડી રાત્રે પેટ્રોલિંગ વધારવું: રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મુખ્ય માર્ગો પર સક્રિય PCR અને ઇન્ટરસેપ્ટર વાનની પેટ્રોલિંગ વ્યવસ્થા કરવી.

હેલ્મેટના નિયમોનું કડક પાલન: માત્ર મુખ્ય જંકશન પર જ નહીં, પરંતુ સર્વિસ લેન અને આંતરિક રસ્તાઓ પર પણ હેલ્મેટ પહેરવાના નિયમનું કડક પાલન કરાવવું.

આ સમાચાર શેર કરો