સુરત/ હાઈરાઈઝ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ધોળા દિવસે ત્રાટક્યા તસ્કરો, રોકડ-દાગીના સહિત 8.94 લાખની ચોરી
સુરતના ડુમસ રોડ પર વાય જંકશન પાસે આવેલ વાસ્તુ લક્ઝુરીયા બિલ્ડીંગમાં અજાણ્યા ચોર ઈસમોએ એક બંધ ફ્લેટને નિશાન બ

સુરતના ડુમસ રોડ પર વાય જંકશન પાસે આવેલ વાસ્તુ લક્ઝુરીયા બિલ્ડીંગમાં અજાણ્યા ચોર ઈસમોએ એક બંધ ફ્લેટને નિશાન બનાવ્યો હતો. બપોરના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ પહેલા માળે આવેલ બેડરૂમના એટેચ બાથરૂમની બારીના કાચ તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 8.94 લાખની ચોરી કરી અજાણ્યો ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં ભોગ બનનારને જાણ થતા તેઓએ તમામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે 8.94 લાખની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવાર બહાર ગયું હતું
વાસ્તુ લક્ઝુરીયામાં રહેતા પ્રિયંકાબેન ધર્મેશભાઈ કોઠારી ગતરોજ પોતાના પરિવાર સાથે બપોરે 1 વાગ્યાથી સાંજે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન બહાર ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ચોર ઈસમે તેમના ફ્લેટને નિશાન બનાવ્યો હતો.બપોરે 1 થી સાંજે 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોર ઈસમે ફ્લેટના પહેલા માળે આવેલ બેડરૂમના એટેચ બાથરૂમ ના બારીના કાચ તોડી ત્યાંથી ફ્લેટમાં અંદર પ્રવેશ કર્યો હતો અને પ્રિયંકાબેન ના બેડરૂમ ના ડ્રોવરમાં મુકેલા સોનાના દાગીના જેમાં સોનાનો બ્રેસલેટ, સોનાની ચેઈન, સોનાની ડાયમંડ વાળી વીંટી સહિતના દાગીના તથા રોકડા રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 8.94 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ઘરે આવ્યા ને થઈ ચોરીની જાણ
રાત્રે ઘરે પરત આવતા પ્રિયંકાબેન ને પોતાના ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ તરત જ ઉમરા પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ કરી સીસીટીવી ફૂટેજ ની તપાસ ચાલુ કરી પ્રિયંકાબેનની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








