સેલવાસમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર રોમિયો પકડાયો, પોલીસે આરોપીનો કાઢ્યો વરઘોડો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય મથક સેલવાસ સ્થિત જીએનએલયુ કોલેજની વિદ્યાર્થિની સાથે યુવાને છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપી યુવાનને પકડી પાડયો હતો. પોલીસે આરોપીનો જાહેર માર્ગ પર વરઘોડો કાઢી શહેરમાં ફેરવ્યો હતો.
રોમિયોનો પોલીસે કાઢ્યો વરઘોડો
સેલવાસ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(જીએનએલયુ) કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિની નમો હોસ્પિટલ નજીક આવેલા મેડિકલ સ્ટોરમાં ખરીદી માટે ગઈ હતી. આ દરમિયાન ઉમેશ યાદવ(ઉં.વ.30, રહે. બાવીસા ફળિયા, સેલવાસ) નામના શખસે વિદ્યાથિનીની છેડતી કરી હતી. ઘટના બનતાં જ પીડિતાએ તાત્કાલિક 112 ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માગી હતી.
માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિની પાસેથી વિગતો મેળવીને માત્ર બે કલાકની અંદર જ આરોપી ઉમેશ યાદવને ઝડપી પાડયો હતો. આરોપીમાં કાયદાનો ડર રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ઉમેશ યાદવનો જાહેર માર્ગ પર વરઘોડો કાઢી આખા શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

