મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાકોરમાં શનિદેવની મૂર્તિ ખંડિત કરનાર આરોપીને પોલીસે દાહોદથી ઝડપી પાડ્યો, જાણો શા માટે કર્યું હતું આ કૃત્ય

ખેડા જિલ્લાના ડાકોરમાં શનિદેવના મંદિરમાં કોઈ શખ્સે તોડફોડ કરી શનિદેવની મૂર્તિ ખંડિત કરી હતી. આ મામલે

ડાકોરમાં શનિદેવની મૂર્તિ ખંડિત કરનાર આરોપીને પોલીસે  દાહોદથી ઝડપી પાડ્યો, જાણો શા માટે કર્યું હતું આ કૃત્ય

ખેડા જિલ્લાના ડાકોરમાં શનિદેવના મંદિરમાં કોઈ શખ્સે તોડફોડ કરી શનિદેવની મૂર્તિ ખંડિત કરી હતી. આ મામલે ગુનો નોંધાયા બાદ ડાકોર પોલીસે 16 દિવસ બાદ આરોપીની દાહોદથી અટકાયત કરી છે. 

18 સપ્ટેમ્બરે બની હતી ઘટના 

ડાકોરમાં ડાકોર-નડિયાદ રોડ પર આવેલા શનિદેવના મંદિરમાં કોઈ શખ્સે શનિદેવની મૂર્તિ ખંડિત કરી હતી. આ સાથે જ  દાન પેટી તોડી,રોકડા રૂપિયા સહિતની ઘણી બધી વસ્તુઓ ગાયબ થઇ હતી.  આ સાથે જ મંદિરમાં રહેલા પીપળાના ઝાડ પણ કાપી નાખ્યાં હતા. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. 

આરોપીની દાહોદથી અટકાયત 

પોલીસે જુદી જુદી ટીમો બનાવી  મંદિર આજુબાજુના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સને આધારે એક આરોપીની ઓળખ કરી હતી. આ આરોપીનું પગેરું દાહોદમાં મળતા ત્યાં પણ પોલીસની ટીમ કામે લાગી હતી. અંતે આરોપી બીજલભાઈ બારૈયાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

મંદિરના પૂજારી અને ટ્રસ્ટી સાથે થઈ હતી માથાકૂટ

પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે આ મંદિરમાં ઘણા સમયથી રહેતો હતો અને સફાઈ વગેરે કામ કરતો હતો. ઘટનાના અમુક દિવસો પહેલા વેતન મામલે મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ સાથે તેને  માથાકૂટ થઈ હતી. ત્યારબાદ પૂજારી અને ટ્રસ્ટીએ તેને મંદિરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ દાઝ રાખી મંદિરમાં તોડોફોડ કરી શનિદેવની મૂર્તિ ખંડિત કરી હતી. 

આ સમાચાર શેર કરો