Video: છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચ્યો; દાહોદ પ્રવાસ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે GSTV સાથે કરી ખાસ વાતચીત

સોર્સ: gstv

દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSTV સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ, શિક્ષણ, સિંચાઈ અને રોજગારી સહિતના મુદ્દાઓ પર સરકારની કામગીરી અને આયોજન અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના સરહદી ગામોમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો સરકારનો નિર્ધાર છે.

આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા આયોજન

મુખ્યમંત્રીએ આદિવાસી યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રવાસ દરમિયાન ડોક્ટર, ઈજનેર સહિત તમામ વર્ગના લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જાહેરાત

આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તો તેઓ ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. સ્થાનિક સ્તરે ખેતી અને રોજગારીની તકો વધવાથી આદિવાસી વિસ્તારોમાંથી રોજગારી માટે થતું સ્થળાંતર પણ અટકશે, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરાળા ગામે આદિવાસી પરિવાર સાથે સાદગીપૂર્ણ મુલાકાત કરી હતી. તેમણે પરિવારના સભ્યો સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું અને ભોજન દરમિયાન તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ પણ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત