ડભોઈમાં અપહરણ અને બળાત્કારના કેસમાં મુખ્ય આરોપી તેમજ પિતા-ભાઈને 20 વર્ષની સજા
વડોદરા જિલ્લાની ડભોઇ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 11 મ

વડોદરા જિલ્લાની ડભોઇ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 11 માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં POCSO એક્ટ હેઠળ મુખ્ય આરોપી તેમજ ગુનામાં તેની મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે 20 વર્ષની સજા અને રૂ.33000નો દંડનો હુકમ કર્યો છે.
17 વર્ષીય સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ બાદ બળાત્કાર
આરોપી યુવક અલ્તાફ લતીફભાઇ સૈયદે ડભોઇ હદ વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી યુવકના પિતા લતીફઅબ્દુલ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાઝ લતીફ સૈયદે આરોપીની ગુનો કરવામાં મદદ કરી હતી.
ત્રણે આરોપીઓ સામે ડભોઇ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ.જી.વાઘેલાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ એચ.બી.ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે ત્રણે આરોપીઓને 20 વર્ષની સજા અને રૂ.33000નો દંડ ભરવા હુકમ કર્યો છે.
ડભોઈ કોર્ટે અત્યારસુધીમાં આ પ્રથમ ચુકાદો આપ્યો છે, જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારાઈ છે. સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા અપાયો છે.






