વાવાઝોડું 'શક્તિ' 6 ઓક્ટોબરે ગુજરાત તરફ લેશે યુ-ટર્ન: 8 અને 9 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા 'શક્તિ'ને લઈને હવામાન વિભાગે
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા 'શક્તિ'ને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ (હવામાન વિભાગ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી પાંચ દિવસ સુધી 'શક્તિ' વાવાઝોડું ગતિશીલ રહેશે, પરંતુ 6 ઓક્ટોબરે તે ગુજરાત તરફ યુ-ટર્ન લેશે.
હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે યુ-ટર્ન લીધા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે, અને તેની ગુજરાત પરની અસર નહિવત્ રહેવાની ધારણા છે. લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે.
ગુજરાતમાં 7 દિવસ હળવો વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જોકે, વાવાઝોડાની પરોક્ષ અસરના કારણે કેટલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે:
8 ઓક્ટોબર: દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
9 ઓક્ટોબર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અન્ય વિસ્તારોની વાત કરીએ તો, અમદાવાદમાં પણ છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે.
પવનની ગતિ અને માછીમારો માટે સૂચના
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત તરફ વાવાઝોડું ફંટાયા બાદ પવનની ગતિ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે.
ચક્રવાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.








