મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસની મદદ કરતા સાયબર એક્સપર્ટે તેના દ્વારા ઝડપાયેલા આરોપીના 41 લાખ રુપિયા કર્યા ચાંઉ, જાણો શું છે મામલો

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે તે પોલીસને મદદ લે

પોલીસની મદદ કરતા સાયબર એક્સપર્ટે તેના દ્વારા ઝડપાયેલા આરોપીના 41 લાખ રુપિયા કર્યા ચાંઉ, જાણો શું છે મામલો

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે તે પોલીસને મદદ લેતી હોય છે, પરંતુ પોલીસ જ છેતરપિંડીનો શિકાર બની જાય તો? બાતમીના આધારે વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરનાર કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા અને મોબાઈલ ફોન કબજે કર્યા. તે ફોનમાંથી પુરાવા મેળવવા માટે એક વ્યક્તિની મદદ લીધી અને તે વ્યક્તિએ જ લાખો રૂપિયાની ઠગાઈ કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. જો કે, મોડે મોડે જાગેલી પોલીસે તપાસ કરી ઠગાઈ આચરનારને પકડી પાડ્યો છે.

મણીનગર પોલીસે ઝડપી પાડેલ યુવકનું નામ દેવેન્દ્ર પટેલ છે. ગાંધીનગરના રહેવાસી આ યુવકનું મૂળ કામ આમ તો સાયબર એક્સપર્ટ તરીકેનું છે. જેમાં તે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કોઈપણ પ્રકારના ગુનામાં પોલીસને જ્યારે મદદની જરૂર પડે ત્યારે તે મદદ પૂરી પાડતો હતો. પરંતુ શેર બજારમાં રોકાણ કરવા માટે અને અન્ય ખર્ચ માટે તેને પૈસાની જરૂર પડતા તેણે પોલીસ સાથે જ વિશ્વાસઘાત કરી નાખ્યો હતો જેના કારણે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ઝોન 6 LCB ને ગત 30 ડિસેમ્બર 2024ના રોજ દેવેન્દ્ર પટેલે બાતમી આપી હતી કે, બોમ્બે હોટલ બીઆરટીએસ વર્કશોપની પાછળ આવેલી જૈનભ રેસીડેન્સી વિભાગ-2માં રહેતા શેખ અયાઝ નામનો યુવક ગેરકાયદેસર રીતે પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે ઝોન 6 LCB એ દરોડા પાડતા 2.41 લાખથી વધુ રોકડ, 33 મોબાઇલ ફોન, લેપટોપ, પાસપોર્ટ પેન ડ્રાઈવ અને એટીએમ કાર્ડ તેમજ માસ્ટર કાર્ડ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે દરોડા દરમિયાન મળી આવેલા મોબાઈલ ફોનની તપાસ માટે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી હતી. બાદમા પોલીસે તમામ મોબાઈલ FSLમાં મોકલ્યા હતા.

પોલીસે રેડ કરી તેના 19 દિવસ બાદ 18 જાન્યુઆરી 2025ના રોજ મોહમ્મદ અયાઝ શેખે લેખિત રજૂઆત કરી હતી કે તે પોતાના ફોનમાં ફાઇનાન્સ એપ્લિકેશન થકી ટ્રેડિંગ કરવાનું કામ કરે છે અને પોલીસે જ્યારે તેના ઘરે રેડ કરી તે સમયે તેના ફોનમાં 48,300 USDT કરન્સી જમા હતી, જેમાં બીજા દિવસે તેણે પોતાનું ઇ-મેલ આઇડી ચેક કરતા તેમાં તેનું ટ્રેડિંગ એપ્લિકેશન ખાતું બંધ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું અને તમામ કરન્સી ઉપાડી લેવામાં આવી હોવાની જાણ થઈ હતી. અંદાજે 41 લાખ રૂપિયાની રકમની 48,300 USDT એના ફોનમાંથી ટ્રાન્સફર થઈ જતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેની તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે સાહેબ એક્સપર્ટ દેવેન્દ્ર પટેલે આ રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી છે અને બાદમાં આંગડિયા થકી રોકડ મેળવી અલગ અલગ જગ્યા ઉપર રોકાણ કરી નાખ્યું છે.

અંતે પોલીસે દેવેન્દ્ર પટેલને બોલાવી પોલીસની ભાષામાં પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબુલાત કરી હતી. જેથી આ સમગ્ર મામલે પોલીસે દેવેન્દ્ર પટેલનો ફોન ચેક કરતા તેમાંથી પણ પુરાવાઓ મળી આવ્યા હતા. આ મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્ર પટેલ સામે ઝોન 6 LCB ના પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દેવેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીની સાથે ગુનામાં અન્ય એક આરોપી પણ સામેલ છે. ઝડપાયેલા આરોપીએ આ રીતે મેળવેલા 41 લાખમાંથી 30 લાખ રૂપિયા શેર બજારમાં રોકાણ કર્યા છે જ્યારે અન્ય રૂપિયા જુદી જુદી જગ્યા ઉપર ખર્ચ કર્યા અથવા તો લેણદારોને ચૂકવ્યા છે. જોકે તેણે આ રીતે અગાઉ કોઈપણ કેસમાં પોલીસ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તે બાબતની પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો