Anand news: કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન IT ડિન સામે 13 લાખની છેતરપિંડીનો ગુનો, જાણો કઈ રીતે આચર્યું કૌભાંડ?
આણંદ કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન IT

આણંદ કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન IT ડિન સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ધવલ કાથીરિયા સામે CAMC માં 13 લાખના કૌભાંડનો આક્ષેપ છે. ધવલ કથીરિયાએ મંજૂરી નોંધમાં ફેરફાર કરી કામ થયા વિના કંપનીને પૈસા ચૂકવી કૌભાંડ આચર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2011 થી 2023 સુધી ધવલ કથીરિયાએ આણંદ કૃષિ યુનિવર્સિટીના IT ડિન તરીકે ફરજ બજાવી હતી. ફરજ દરમિયાન IT કચેરીની લેબમાં 108 કોમ્પ્યુટર માટે CAMC (કોમ્પ્રિહેઇનસીવ એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રાકટ ) નો કોન્ટ્રાકટ આપ્યો હતો. કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આપેલી સૈદ્ધાંતિક મંજૂરીની નોંધમાં ફેરફાર કરી 13 લાખનો કોન્ટ્રાકટ ટેન્ડર વગર આપી દીધો હતો અને કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારીઓની જાણ બહાર મૂળ નોંધમાં ચેડાં કરી કૌભાંડ આચર્યું હતું.
નોંધમાં લખેલા પેપર ટેન્ડર શબ્દ ઉપર લીટી મારી NHEP કોસ્ટ ગાઈડલાઈન મુજબ કોટેશન માટે ટેન્ડર મંગાવવું લખી દીધું હતું. નોંધ સાથે ચેડાં કરી પોતાની પસંદગીની ડેસ્કટોપ ક્રિએટર્સ, આણંદને કોન્ટ્રાકટ આપ્યો હતો. કોન્ટ્રાકટ બાદ કોઈ પણ કામ કર્યા સિવાય 13 લાખનું ચુકવણું કરી દીધું હતું. જે બાદ નવા નિમાયેલા અધિકારી દ્વારા રેકર્ડ ચકાસતા કૌભાંડ ઉજાગર થયું હતું. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ધવલ કથીરિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






