મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ, સાયબર ફ્રોડ મુદ્દે અપાયું માર્ગદર્શન

અમદાવાદમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હ

અમદાવાદ પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ, સાયબર ફ્રોડ મુદ્દે અપાયું માર્ગદર્શન

અમદાવાદમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરમાં ગુનાખોરી અટકાવવા તેમજ ટ્રાફિક અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષના ગુનાખોરીના આંકડાઓની પણ સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત સીસીટીવી પ્રોજેક્ટને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. પોલીસ કમિશનર દ્વારા પીઆઇ દ્વારા કરેલી કામગીરીના રિપોર્ટ પણ ચકાસવામાં આવ્યા હતા.  

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજે શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેનાથી ઉચ્ચ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ 2023, 24 અને 25 માં થયેલા ગુનાઓ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. શહેરમાં પોલીસ દ્વારા ચાલતી અલગ અલગ પ્રોજેક્ટ અને યોજનાઓની માહિતી પણ પોલીસ કમિશનર દ્વારા મેળવવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ કે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તેમજ સાઇબર ફ્રોડની સમસ્યાને કઈ રીતે નિવારવી તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. 

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષના ગુનાખોરી અને ડિટેકશનના આંકડાઓ 

1 - શહેરમાં મુખ્ય ગુનાઓ વર્ષ 2023 માં 12229 , વર્ષ 2024માં 10074, અને વર્ષ 2025 માં 9,557 નોંધાયા છે જે કુલ ત્રણ વર્ષમાં 21.85 ટકા ઘટાડો થયો છે. 
2 - શરીર સંબંધી ગુનાઓ એટલે કે ખૂન, ખૂનની કોશિશ, મારામારી, રાયોટીંગ, ઈજા પહોંચાડવી વગેરે જેવા ગુનાઓ કે જે વર્ષ 2023માં 2167 હતા, વર્ષ 2024માં 1,925 હતા અને વર્ષ 2025 માં તે ઘટીને 1705 થયા છે. જેમાં ત્રણ વર્ષમાં કુલ 21.32 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
3 - મિલકત સંબંધી ગુનાઓ કે જે ધાડ, લુટ, ઘરફોડ ચોરી, વાહનચોરી તેમજ અન્ય પ્રકારની ચોરીઓમાં વર્ષ 2023માં 5622 હતા. વર્ષ 2024 માં 4,278 હતા અને વર્ષ 2025 માં ઘટીને 3,807 નોંધાયેલા છે. જેમાં 32.28% નો ઘટાડો નોંધાયો છે. 
4 - મહિલાઓને લગતા ગુનાઓ કે જે વર્ષ 2023માં 626 હતા વર્ષ 2024 માં 490 હતા અને વર્ષ 2025 માં 451 થયા છે જેમાં 27.96% નો ઘટાડો જોવા મળ્યો છે. 
 
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આર્થિક ગુનાઓ એટલે કે ઠગાઈ વિશ્વાસઘાત સહિતના ગુનાઓમાં 47.36% જેટલો વધારો જોવા મળ્યો છે. જે વર્ષ 2023માં 551 વર્ષ 2024 માં 656 અને વર્ષ 2025 માં 753 ગુનાઓ નોંધાયા છે. 
આ ઉપરાંત સાયબર ક્રાઇમના ગુનાઓમાં પણ સરેરાશ વધારો જોવા મળ્યો છે, જેને લઇને પોલીસ કમિશનર દ્વારા આગામી કઈ પ્રકારનું આયોજન થઈ શકે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા લોક ભાગીદારીથી છેલ્લા ત્રણ વર્ષમાં 24,000 કરતાં પણ વધુ સીસીટીવી લગાડવામાં આવ્યા છે જેમાં મોટાભાગની સીસીટીવી ની પીઠ સીધી પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે સીસીટીવી લગાવવાથી ગુનાઓના ડિટેકશનમાં ફાયદો થયો છે.
 
ડ્રગ્સના દુષણને દબાવા માટે હવે ફક્ત ક્રાઈમ બ્રાન્ચ કે એસ.ઓ.જી દ્વારા ડ્રગ્સના કેસ નહીં પરંતુ દરેક પોલીસ સ્ટેશનદીઠ પણ ડ્રગસ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ નિયંત્રણને લઈને ચાર પોલીસકર્મીઓની ટીમ પણ બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં ડ્રગ્સ નાબૂદી અભિયાન સહિત અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. 
 
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે અલગ અલગ 27 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તેમજ આઠ જેટલા પોલીસકર્મીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે, ત્યારે શહેરમાં શાંતિ તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો