ખ્યાતિકાંડમાં વધુ 1ની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, નીકળ્યો આરોગ્ય વિભાગનો કર્મચારી
ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડમાં વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડમાં વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. જેની ધરપકડ થઈ તે વ્યક્તિ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ/ ખ્યાતિ હોસ્પિટલની છેલ્લા 4 વર્ષની કાળી કરતૂતોનો પર્દાફાશ, કૌભાંડ કરી કરોડો રૂપિયા ડકાર્યા
જણાવી દઈએ કે અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડબાદ સરકારે કડક કાર્યવાહી કરી છે. હાલમાં પોલીસ આયુષ્યમાન કાર્ડ સાથે ચેડા કરવા મામલે તપાસ કરી રહી છે. ત્યારે દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. જણાવી દઈએ કે આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો હોવાની સંભાવના છે.
કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી
મળતી માહિતી અનુસાર, મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં 2017થી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. મિલાપનું કામ આયુષ્માન કાર્ડ એપ્રૂવ કરવાનું હતું. આ મહત્ત્વની જવાબદારીનો ગેરલાભ ઊઠાવી તેણે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રૂવ કર્યા હોવાનો ખુલાસો થયો છે. મિલાપને કાર્ડ દીઠ એક ફિક્સ રકમ પણ મળતી હતી. મિલાપની આ ગેરરિતીથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, બોગસ આયુષ્માનકાર્ડના કૌભાંડમાં જોડાયેલા આરોપીઓએ ખ્યાતિ હોસ્પિટલનાં 150 કાર્ડ કઢાવી આપ્યાં હતાં, જેમાં ખાસ કરીને જ્યાં કેમ્પ થતા હતા અને જે લોકો સારવાર માટે આવતા હતા અને જેમની પાસે કાર્ડની વ્યવસ્થા નહોતી તેમને આ કાર્ડ બનાવી આપ્યાં હતાં. તેમની સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે ખુલ્યું મિલાપ પટેલનું નામ?
થોડા દિવસ પહેલા ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ ઝડપાઈ હતી. જે આરોપીઓની પૂછપરછમાં મિલાપ પટેલના નામનો ખુલાસો થયો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચ તે દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલ સહિતના શંકાસ્પદ કર્મચારીઓ પર નજર રાખીને બેઠુ હતું. અને યોગાય પુરાવા મળતા તેની ધરપકડ કરી લેવાઈ.
કાર્ડના સૌદાગરો મહિને રૂ. 40 થી 50 હજાર કમાતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી આયુષ્માન કૌભાંડમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે. જે આરોપીઓ સામાન્ય લોકોના ડેટાને એડિટ કરીને બીજાના નામ ઘુસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાનાં કાર્ડ બનાવી આપતા હતા. આરોપીઓ મહિને 40 થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા હતા.
કડીના બોરીસણા ગામે જઈને કેમ્પ કર્યો અને 19 વ્યક્તિમાંથી 7 લોકોની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ. તે પૈકી 2 લોકોના મોત થયા. જે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી તેમના ઓપરેશનની જરૂર જ ન હતી. ખ્યાતિ હોસ્પિટલના જવાબદારો વિરૂદ્ધ ગુનાઈત-હત્યાના કાવતરાની ફરિયાદ નોંધવામાં આવશે.' બે નિર્દોષના જીવ ગયા બાદ રાજ્ય સરકાર ઊંઘમાંથી જાગી છે અને એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. પરંતુ પીડિતોનો પરિવારને વળતર અંગે સરકાર હજુ મૌન છે.








