પાંચ વર્ષ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહેલા સીઆર પાટીલને રહ્યો આ એક અફસોસ
જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. કમલમ ખાત

જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના સવા પાંચ વર્ષના કાર્યકાળને યાદ કર્યો હતો. સીઆર પાટીલના કાર્યકાળમાં ભાજપ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 156 સીટ જીતવામાં સફળ રહ્યું હતું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. સીઆર પાટીલે એક અફસોસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહાર પણ કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 156 સીટ જીતાડી-પાટીલ
સીઆર પાટીલે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, 182 બેઠક સાથે જીતવાના આગ્રહ સાથે વધ્યા ત્યારે 156 સીટ ભાજપ જીત્યું હતું. 22 અને 24માં પણ એક કરોડની લીડ મળી હતી. 2022માં જે 26 સીટ હાર્યા હતા તેનો ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ 3 લાખ 5 હજાર હતી.એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા બાદ 26 સીટ હારી જઇએ તે કમનસીબી છે. જે વિસ્તારના કાર્યકર્તાઓએ નાની મોટી ભૂલ રહી હશે, પ્રદેશમાં અધ્યક્ષ તરીકેની જવાબદારીમાં કમી રહી હશે તેમાં 26 સીટ ગુમાવી હતી. 2019માં 83 સીટ જીતીને કોંગ્રેસ આવ્યા પછી ઉત્સાહ મોટો હતો પણ તેમના હાથમાંથી લગભગ બધી સીટ 65થી વધુ સીટો ભાજપના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી.સ્વતંત્રતા મળ્યા પછી 9 સીટ એવી હતી જે આપણે ક્યારેય જીત્યા નહતા પણ 2022ની અંદર સંકલ્પ કર્યો કે આ 9 સીટ પર જીત મેળવવી છે અને તેમાંથી 6 સીટ ક્યારેય જીત્યા નહતા તે જીતીને બતાવી.
પાર્ટીના મેન્ડેટ ઉપર જ ચૂંટણી લડાવવી જોઇએ-સીઆર પાટીલ
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું કે, જયેશ રાદડિયાની હાજરીમાં જ એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને ના ગમ્યુ, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળાઓએ અપપ્રચાર કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઇએ. ધારાસભ્યને શા માટે મેન્ડેટ આપવો જોઇએ, સાંસદને શા માટે મેન્ડેટ આપવો જોઇએ, જે જીતીને આવે તે આપણો. ભાજપ સંગઠન શિસ્ત સાથે બંધાયેલું છે. જ્યારે ચૂંટણી લડતો હોય સહકારી ક્ષેત્રનો હોય તે શિસ્તની દ્રષ્ટીએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઇએ કે પાર્ટી ઇચ્છે તે જ લડે.
સીઆર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જંગી જીત બદલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે,જીલ્લા પંચાયતમાં 5 બેઠક હતી કોંગ્રેસ પાસે 26 સીટ હતી આપણે 31 સીટ જીત્યા. 231માંથી 230 સીટ તાલુકા પંચાયતમાં જીત્યા. આ જીતવાની ટેવ ભાજપના કાર્યકર્તાઓને પડી મે કહ્યું હતું આપણો જન્મ જીતવા માટે થયો છે તે સંકલ્પ સાથે આગળ વધવું જોઇએ.વડાપ્રધાન મોદીની અપેક્ષા હતી, અમિત શાહના માર્ગદર્શન હેઠળ બધી અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા.
પાટીલના આમ આદમી પાર્ટી પર પ્રહાર
સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે,દિલ્હીથી એક પાર્ટી આવી અને તેમને પત્રકારોને કહ્યું કે, લખી લો અમારી સરકાર બને છે, તેમણે ખુબ પ્રચાર કર્યો અપપ્રચાર કર્યો અને ગુજરાત માટે કંઇ ના કર્યું. તેમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા અને મને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો અને મે જવાબ આપવાનું ટાળ્યું કે મારા વતી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ જવાબ આપશે.આભારી કે ગુજરાતના મતદારોનો કે તેમને 156 સીટ પર દિલ્હીથી આવેલી પાર્ટીની ડિપોઝિટ જપ્ત કરી નાખી. ખો ભૂલી જવાય તે ગુજરાતના મતદાર ભાઇ બહેનો અને કાર્યકર્તાઓએ ભણાવ્યો હતો. રાજકીય વિશ્લેષકોએ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એટલે આપણને વધારે સીટ મળી. નાસીપાસ ના થાવ 135 સીટ એવી છે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બન્નેના મતનું ટોટલ કરીએ તો ભાજપના ઉમેદવારોની લીડ ઘણી વધારે હતી.
મને અફસોસ જરૂર રહેશે
સીઆર પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહેતા એક વાતનો અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, 'મારા પ્રદેશ અધ્યક્ષ વખતે મે લોકસભા ચૂંટણીમાં એક સીટ ગુમાવી તેના હારની જવાબદારી સ્વીકારૂ છુ અને આ ફરી ના થાય તેની કાળજી લેવા હું વિનંતી કરૂ છું.'
યજ્ઞના ઘોડાને રોકવાની કોઇની તાકાત નથી-પાટીલ
સીઆર પાટીલે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને શુભકામના પાઠવતા કહ્યું કે, સંગઠન અને સરકારની જવાબદારી જેને સંભાળી છે તેવા યુવાના જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખ તરીકેની જવાબદારી લઇને આગળ વધવાના છે ત્યારે હું કાર્યકર્તા તરીકે હું તેમની સાથે છું. ભાજપ ગુજરાતનો એક એક કાર્યકર્તા તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે.આ યજ્ઞના ઘોડાને રોકવાની કોઇની તાકાત નથી. ગુજરાત મોડલ વિકાસનું હોય સંગઠનનું હોય જીતનું હોય તેને ક્યારેય કોઇ અટકાવી શકશે નહીં કેમ કે તમારા બધાની તાકાત તેમની સાથે જોડાયેલી છે.'
સીઆર પાટીલે માંગી કાર્યકર્તાઓનું માફી
સીઆર પાટીલે સવા પાંચ વર્ષ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહેતા કરેલા કેટલાક નિર્ણયોને લઇને કાર્યકર્તાઓની માફી પણ માંગી હતી. સીઆર પાટીલે કહ્યું કે,સવા પાંચ વર્ષ સુધી મારા નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન અને કેટલાકને ફાયદો થયો હશે, મારો ઇરાદો કોઇને નુકસાન કરવાનો નહતો.જે નિર્ણય કર્યા તે પાર્ટીના હિતમાં કર્યા છે અંગત કારઠણોસર કોઇ નિર્ણય નથી કર્યો.તેના માટે માફી માગું છું.'








