ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? દિલ્હીમાં સી.આર પાટીલ ભૂપેન્દ્ર યાદવને મળ્યા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે? આ વિષય છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ વ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે? આ વિષય છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાતના બીજા દિવસે જ સી.આર.પાટીલ ભૂપેન્દ્ર યાદવને મળતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઇને કવાયત તેજ બની હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતમાં OBC નેતાને ભાજપનું સુકાન સોપાઇ શકે
ગુજરાતમાં પણ OBC નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે.જોકે, એવી ચર્ચા છેકે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે. તો બીજી બાજુ, કેન્દ્રીય મંત્રીપદ મેળવ્યાં પછી ય સી.આર.પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યાં છે કેમ કે, હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનિતાઓને જ નહીં, આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઇડલાઇન કરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે. આ જોતાં પાટીલે પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં ઉંડો રસ દાખવ્યો છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઇ રહ્યુ છે.આ ત્રણેય જૂથો ગુજરાત સંગઠન પર કબ્જો મેળવી એકબીજાનું પત્તુ કાપવાના મૂડમાં છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે આ નામ ચર્ચામાં
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે વિજય રૂપાણી, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી,મયંક નાયક (રાજ્યસભા સાંસદ), મહેન્દ્ર મુંજપરા,જગદીશ વિશ્વકર્મા (પંચાલ), ઉદય કનગડ, વિનોદ ચાવડા, બાબુ જેબલિયાના નામ ચર્ચામાં છે.
અત્યાર સુધીના ભાજપ પ્રદેશ પ્રમુખનો સમયગાળો
એ.કે.પટેલ - 1982થી 1985 - 3 વર્ષ
કાશીરામ રાણા - 1993થી 1996 - 3 વર્ષ
વજુભાઇ વાળા - 1996થી 1998 - 2 વર્ષ
રાજેન્દ્રસિંહ રાણા - 1998થી 2005 - 7 વર્ષ
વજુભાઇ વાળા - મે 2005થી ઓક્ટોબર 2006 - 1 વર્ષ 150 દિવસ
પરશોત્તમ રૂપાલા - ઓક્ટોબર 2006થી ફેબ્રુઆરી 2010 - 3 વર્ષ 98 દિવસ
આર.સી.ફળદુ - ફેબ્રુઆરી 2010થી ફેબ્રુઆરી 2016 - 6 વર્ષ 18 દિવસ
વિજય રૂપાણી - ફેબ્રુઆરી 2016થી જુલાઇ 2020 - 173 દિવસ
જીતુ વાઘાણી - ઓગસ્ટ 2016થી જુલાઇ 2020 - 3 વર્ષ 345 દિવસ
સી.આર.પાટિલ - જુલાઇ 2020થી અત્યાર સુધી








