મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અનાથ કિશોરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલનારને સુરત કોર્ટે 20 વર્ષની કેદની ફટકારી સજા

વેસ્ટ બંગાળની અનાથ કિશોરીને અમદાવાદ અને સુરત શહેરના દેહવેપારના ધંધામા

અનાથ કિશોરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલનારને સુરત કોર્ટે 20 વર્ષની કેદની ફટકારી સજા

વેસ્ટ બંગાળની અનાથ કિશોરીને અમદાવાદ અને સુરત શહેરના દેહવેપારના ધંધામાં જબરજસ્તી ધકેલવાના કેસમાં મહિલા સહિત 3 આરોપીઓને સુરત કોર્ટે તકસીરવાર ઠેરવ્યા હતા. કોર્ટે અમદાવાદના જમાલ મંડલ અને ગાંધીનગરના અરવિંદ પારેખને 20 વર્ષની સજા કરી હતી. જ્યારે બાંગ્લાદેશ મોકલી આપવાનુ પ્રલોભન આપી સુરત લઈ આવી કિશોરીને સેક્સ વર્કર તરીકે કામ કરવા દબાણ કરનાર મહિલાને પણ કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા અને તેના જામીન રદ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવા પણ આદેશ કર્યો હતો.

કોર્ટે ભોગ બનનારને રૂ.2 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો. વેસ્ટ બંગાળ ખાતે રહેતી એક કિશોરી અનાથ હતી. કિશોરી સોયેબ નામના યુવક સાથે પ્રેમમાં પણ હતી. પ્રેમી સોયેબના મિત્ર જમાલ ઉર્ફે જમીલ ફાજુલ મંડલએ કિશોરીને અમદાવાદ ખાતે બોલાવી હતી. કિશોરીને અમદાવાદ બોલાવી જમાલ ઉર્ફે જમીલ અને અમીરા સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અરવિંદ અમર પારેખે તેણીને જબરજસ્તી દેહવેપારમાં ધકેલી દીધી હતી. આ ઉપરાંત જમાલ અને અરવિંદ પારેખે પણ કિશોરી સાથે દુષ્કર્મ કર્યુ હોવાનો પણ આક્ષેપ હતો. એટલું જ નહિ અનાથ કિશોરીને પોતાના વતનની અને હાલ સુરત રાંદેર તાડવાડી મહેશ્વરી ફ્લેટમાં રહેતી અને મસાજ પાર્લરમાં કામ કરતી સલીમા ઉર્ફે સાનીયા સૈફુદ્દીન સરદારે કિશોરીને બાંગ્લાદેશ મોકલી દેશે તેવુ પ્રલોભન આપી પોતાના સુરત લઈ આવી હતી.

બાંગ્લાદેશ જવા માટે પૈસા લાગશે તેમ કહી સલીમા ઉર્ફે સાનિયાએ પણ લાચાર કિશોરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. આમ એક સ્ત્રી હોવા છતાં સાનિયાએ પણ ભોગ બનનારની વિવશતાનો દુરૂપયોગ કર્યો હતો. આ દેહ વેપારના રેકેટ અંગે કાપોદ્રા પોલીસને જાણ થતા પોલીસે આ રેકેટ ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી. જ્યારે જમાલ, અરવિંદ અને સાનીયા સામે કાપોદ્રા પોલીસે અપહરણ, બળાત્કારની વિવિધ કલમો હેઠળ, પોક્સો એક્ટ હેઠળ તેમજ ઈમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ સમાચાર શેર કરો