નવસારી: કુકેરી ગામમાં દીવાલ પડતા દંપત્તિનું મોત, એક દિવસમાં દીવાલ ધરાશાઈની બે ઘટના
રાજ્યમાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નવસારી જિલ્લામાં પણ વરસાદ જામ્યો છે સાથે જ ભારે

રાજ્યમાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નવસારી જિલ્લામાં પણ વરસાદ જામ્યો છે સાથે જ ભારે પવન ફૂંકાતા કાચા મકાનો પણ પ્રભાવિત થયા છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામમાં આવેલ રેલવે ફળિયામાં આવાસની દીવાલ ગત રાત્રિએ ધરાશાઈ થઈ હતી. દીવાલ પડતા આરામ કરી રહેલા દંપત્તિનું કરૂણ મોત નિપજ્યું છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામ આવેલ રેલ્વે ફળિયામાં આવાસની દીવાલ એકાએક તૂટી પડી હતી. જે દરમિયાન આરામ કરી રહેલા દંપત્તિનું મોત નિપજ્યું હતું. અરવિંદ હડપતિ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.
આરક સિસોદ્રામાં પણ ઘરની દિવાલ પડતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નવસારીના આરક સિસોદ્રા ગામે રાત્રે ઘરમાં સુતેલા પરિવારના સભ્યો પર ઘરની દિવાલ પડતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.






