નસવાડી પંથકમાં ખેતરમાં ભુંડના જુંડ ઘુસી જતાં કપાસના પાકને નુકસાન, ખેડૂતો રાત્રે પહેરેદારી કરવા મજબૂર
નસવાડી તાલુકાના પીપલાજ અને કંડવા તેમજ આસપાસના ગામમાં ખેડૂતો ખેતરમાં કપાસની વાવણી કરી હતી. હજારો

નસવાડી તાલુકાના પીપલાજ અને કંડવા તેમજ આસપાસના ગામમાં ખેડૂતો ખેતરમાં કપાસની વાવણી કરી હતી. હજારો રૂપિયાનો ખર્ચ બિયારણ દવા ખાતર પાછળ કર્યો હતો. જયારે નસવાડી તાલુકામાં સતત ભારે વરસાદ પડતા ખેતરોમાં નિંદામણનો સમય ના મળતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.
રાતે ખેડૂતોની પહેરેદારી
વરસાદ લાંબા સમય બાદ વિરામ લેતા ખેડૂતો ખેતરોમાં નિંદામણ સહીતની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. ત્યારે હવે ભૂંડોના ત્રાસથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કપાસનો મોલ તૈયાર થઇ રહ્યો અને કપાસના છોડમાં ડીંડવા પણ લાગી ગયા છે. ત્યારે ભૂંડોનું જૂંડ ખેતરોમાં ઘુસી જઈ કપાસના છોડમાં મોં મારી દઈ કપાસના આખે આખા છોડ પાડી દે છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થઇ રહ્યું છે. જયારે સરકાર દ્વારા ફેન્સીંગ વાળની યોજના બહાર પાડી છે. પરંતુ આ ખેડૂતોને આજ દિન સુધી લાભ મળ્યો નથી. હાલ તો આ ખેડૂતો ભૂંડના કારણે રાત દિવસ ખેતરની પહેરેદારી કરવા મજબુર બન્યા છે.
ભૂંડના હુમલા વધ્યા
દિવસે દિવસે ભૂંડોની સંખ્યા વધી રહી છે. ત્યારે નસવાડી નગરમાં પણ ભૂંડોનો ત્રાસ વધ્યો છે. નસવાડી નગરમાં રોડ ઉપર ભૂંડો અચાનક આવી જતા વાહનચાલકો પટકાઈ રહ્યા છે. જેના કારણે વાહનચાલકોના હાથ પગ તૂટી રહ્યા છે. જયારે દુકાનોમાં પણ ભૂંડ ઘુસી જઈ સામાનને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. જયારે નાના નાના બાળકો ઉપર ભૂંડો હુમલો કરી રહ્યા છે. જેના કારણે બાળકોને જીવનું જોખમ છે. હાલ તો ખેડૂતો ભૂંડોના ત્રાસથી આત્મહત્યા કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબતે જિલ્લાના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સત્તાધીશો ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.








