નસવાડીના બરોલી પ્રાથમિક શાળાના કામમાં ભ્રષ્ટાચાર, ફ્લોરિંગના પૂરાણ વગર જ પાથરી દીધો કોંક્રિટનો માલ
નસવાડી તાલુકાની બરોલી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગના કામમાં ગુણવત્તા ના જળવાતા ગ્રામજનો અને સરપંચે

નસવાડી તાલુકાની બરોલી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગના કામમાં ગુણવત્તા ના જળવાતા ગ્રામજનો અને સરપંચે ભ્રષ્ટાચાર બહાર પાડ્યો છે. બિલ્ડીંગનું ફ્લોરિંગના કામમાં પુરાણ ના કર્યું અને એમને એમ કોંક્રિટનો માલ પાથરી દેતા કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હતો. બિલ્ડીંગ ઉપર ગ્રામજનો અને સરપંચ પહોંચી ફ્લોરિંગના કામમાં પરાઈ મારી તોડતા જમીન અને કોંક્રિટ વચ્ચે ગેપ હતી. જેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી પર્દાફાશ કરવામાં આવ્યો છે.
1 કરોડના બિલ્ડીંગનું કામ
નસવાડી તાલુકાના બરોલી ગામે 1 કરોડથી વધુના ખર્ચે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. વર્ષો પછી બિલ્ડીંગ સરકારે મંજૂર કરતા તેની કામગીરી સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરો દ્વારા કરવામાં આવી રહી છે. બરોલી ગ્રામ પંચાયતના સરપંચ જ્યારથી બિલ્ડીંગનું કામ શરૂ થયું ત્યારથી કામની ગુણવતા જળવાતી ન હોવાની રજૂઆતો ઇજનેરોને કરી હતી. પરંતુ, સરપંચની રજૂઆત ધ્યાને ન લેતા ગ્રામજનો આખરે કંટાળી જઈને શાળાના બિલ્ડીંગના કામમાં ગુણવતા ન જળવાતી હોવાનો વિડીયો બનાવ્યો હતો. જેમાં બિલ્ડીંગના ફ્લોરિંગના કામમાં હાર્ડમોરમ માટી પુરી તેના ઉપર મશીન દ્વારા પીચીંગ કરી પાણી છાતીને કામગીરી કર્યા બાદ તેના ઉપર કોંક્રિટનું કામ કરવાનું હોય છે.
કોન્ટ્રાક્ટરોને મળ્યું મોકળું મેદાન
કોન્ટાક્ટરે શૌચાલય તેમજ વોટર કુલર અને ઓટલાની જગ્યા ઉપર ફ્લોરિંગના કામમાં માટી પુરાણ યોગ્ય રીતે ના કરી અને કોંક્રિટના કામ અને જમીન વચ્ચે ગેપ રાખતા ગ્રામજનો અને સરપંચ આ કોંક્રિટ પરાઈ વતી તોડીને કોંક્રિટ અને જમીન વચ્ચેનો ગેપનો વિડીયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી ભ્રષ્ટાચાર ઉજાગર થયો હતો. જિલ્લા કલેકટરને આ બાબતે પત્ર લખી કામની તપાસ કરાવવા માંગ કરી હતી. જયારે બિલ્ડીંગના કામમાં અધિકારીઓ અને ઇજનેરો ધ્યાન આપતા નથી. કામગીરી વખતે સ્થળ ઉપર હાજર રહેતા નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી જતું હોય છે.
લોકોમા રોષ
સ્થાનિકોએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરો વિકાસની મલાઈ ખાવા આડેધડ કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હોય છે. હવે ગ્રામજનો અને સરપંચ મેદાને પડી સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. સરકારના નેતાઓને અને અધિકારીઓને જગાડવા અને કામગીરી ગુણવત્તાવાળી કરાવવા ગ્રામજનોએ ભારે સુત્રચ્ચારો કર્યા હતા. આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો આવી રીતના કામગીરી કરીને પોતાનો વિકાસ કરી રહ્યા છે. જેને લઇ આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.








