મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો જીવ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોના લીલાલહેર

ચોમાસામાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાવાથી ઠેર ઠેર ખાડા પડતાં સરકારની પોલ ઉઘાડી પડી છે. ગુજરાતભરમાં સરકાર

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો જીવ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોના લીલાલહેર

ચોમાસામાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાવાથી ઠેર ઠેર ખાડા પડતાં સરકારની પોલ ઉઘાડી પડી છે. ગુજરાતભરમાં સરકાર વિરુદ્ધ જાણે જનઆક્રોશ ભભૂક્યો છે. પાટણમાં વરસાદી પાણીથી પડેલા ખાડામાં પટકાતાં એક સાઇકલ ચાલકનું મોત થયું છે. નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ગુજરાતમાં ખાડાના કારણે 95થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે સરકારને ખાડા પુરવાની ભાન આવી છે. 

કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત

આ વખતે વરસાદને લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસ્માર બન્યા છે અને ખાડા પડતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાડાવાળા રસ્તાઓએ જ માર્ગ મકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો છતો કર્યો છે. મળતિયા કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને પગલે રસ્તાનું નબળું બાંધકામ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓના આશિર્વાદથી ટેન્ડરોમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ રહ્યા છે. 

હજુ શહેરોના રસ્તા ઉબડ-ખાબડ

આ તરફ સરકારે જ મોટાઉપાડે જાહેરાત કરી હતી કે, શહેરોમાં રસ્તાના સમારકામ માટે રૂ. 167 કરોડની ફાળવણી કરી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ આજેય શહેરોમાં રસ્તા ઉબડ-ખાબડ રહ્યા છે. પાટણમાં જૂનાગંજ બજાર નજીક એક સાયકલ ચાલક વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ખાબકતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ મુદ્દે ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ગરીબ પરિવારને આર્થિક મદદ કરવા ગુહાર લગાવી છે.

ખાડામાં પડવાથી મોત બાબતે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે

ગુજરાતમાં ખાડામાં પડવાથી 75 પુરુષ અને 21 મહિલાઓના મૃત્યુ થયા છે. ભારતમાં ખાડાને કારણે કુલ મળીને 800થી વધુ લોકોના મોત થયા છે જેમાં રાજસ્થાન પ્રથમ નંબરે રહ્યું છે. આ રાજ્યમાં ખાડામાં પડવાથી 124 લોકોના જીવ ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 113 અને મઘ્યપ્રદેશમાં 104ના મોત થયા છે.

આમ, અત્યાર સુધી 18 હજારથી વધુ ખાડાઓને પૂરી રસ્તાનું સમારકામ કરાયું છે તેવું જણાવી ભાજપ સરકાર વાહવાહી મેળવવામાં વ્યસ્ત બની છે. વાસ્તવમાં હજુ પણ રસ્તાઓના કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે. 

આ સમાચાર શેર કરો