અમદાવાદ: વટવા ભાજપ મંડળમાં પ્રમુખ પદની નિમણૂકને લઇને વિવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓમાં પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે. અમદાવાદ ભાજપમાં મંડળ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપે જ મંડળ પ્રમુખની નિમણૂંકમાં નિયમોનો છેદ ઉડાડ્યો છે. અમદાવાદ જિલ્લાના વટવા ગ્રામ્ય મંડળમાં પ્રમુખ પદે નિમણૂકને લઇને વિવાદ થયો છે.
વટવા ગ્રામ્ય ભાજપ મંડળ પ્રમુખને લઇને વિવાદ
અમદાવાદ જિલ્લાના વટવા ગ્રામ્ય મંડળમાં પ્રમુખ પદે કુંજન સિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. કુંજન સિંહ સામે ભૂતકાળમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. કુંજનસિંહ ચૌહાણના પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય છે. આ પહેલા જમીન વિવાદોમાં પણ કુંજન સિંહ ચૌહાણની સંડોવણી સામે આવી હતી.જોકે, આ મામલે ભાજપ હાઇકમાન્ડને જાણ કરાઇ છે કે નહીં તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. મંડળમાં નિમણૂકને લઇને ભાજપમાં વિવાદો ચાલી રહ્યાં છે ત્યારે વટવામાં પણ આગામી સમયમાં ભાજપનો આંતરિક અસંતોષ બહાર આવે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.
અરવલ્લીમાં પણ થયો વિવાદ
ગુજરાત પ્રદેશ ભાજપ નવા સંગઠનમાં મંડળ પ્રમુખોની નિમણૂક કરી રહ્યું છે. 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં 41 જિલ્લાકક્ષાના સંગઠનોમાં પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ભાજપ મંડળ પ્રમુખની નિમણૂકમાં વિવાદ ઉભો થયો છે. અરવલ્લી જિલ્લામાં ધનસુરામાં અવધેશ પટેલની જગ્યાએ કૌશિક પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના મંડળોમાં પણ નવા પ્રમુખની પસંદગીને લઇને આંતરકલહ સપાટી ઉપર આવ્યો છે.








