હિન્દુ-મુસ્લિમોમાં વૈમનસ્ય પેદા કરવાનું કાવતરું? વાયરલ પત્રિકાને લઈને પોલીસે કરી ધરપકડ
હિન્દુ-મુસ્લિમોમાં વૈમનસ્ય પેદા થાય તે માટે છાસવાર છમકલાં થતાં હોય છે. ત્યારે પોલીસ કડક હાથ

હિન્દુ-મુસ્લિમોમાં વૈમનસ્ય પેદા થાય તે માટે છાસવાર છમકલાં થતાં હોય છે. ત્યારે પોલીસ કડક હાથે કામ લઈને આવા ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનારને ઝડપી પાડતી હોય છે. જો કે, આ વખતે સુરતના લિંબાયત વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવનારના નામે મુસ્લિમોને જાગૃત કરીને કટ્ટરતાં ફેલાવાતી હોવાના પેમ્પલેટ છપાવીને ધાર્મિક લાગણી દુઃભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોસ્ટર છપાવવાના હેતુ અંગે ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પોસ્ટરમાં શું લખાયું હતું?
લિંબાયતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ખોટા નામથી પેમ્પલેટ વાયરલ કરવામાં આવ્યા હતાં. આ પોસ્ટરમાં લખાયું હતું કે, ''ફક્ત મુસ્લિમોને જ દાખલો આપવામાં આવશે. અમારું કામ જગાડવાનું છે, જાગો કે ન જાગો. સાથે જ આ કામમાંથી આવતી રકમનો ઉપયોગ ધર્મને મજબૂત કરવા માટે વાપરવામાં આવશે અને શરિયા લાગુ કરવા સહિતની ધાર્મિક લાગણી દુભાવતા વાક્યો લખવામાં આવ્યાં હતાં.” જો કે, પોલીસે કોમી એકતા જોખમાઇ તેવું કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકોમાં પકડી પાડ્યો હતો.
સસરાનું પરાક્રમ આવ્યું સામે
આ સમગ્ર પોસ્ટર જમાઈને બદનામ કરવા માટે સસરા દ્વારા કાવતરું કરીને છપાવવામાં આવ્યા હતાં. ધર્મના નામે ગેરમાર્ગે દોરવા માટે ક્લાસીસના નામના પોસ્ટર વાયરલ કર્યા હતાં.લિંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સુલેમાન શેખની ધરપકડ કરી હતી. આરોપી સસરા સુલેમાન શેખ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જેમણે પોતાના જમાઈ અને ક્લાસીસ ચલાવનારાને પાઠ ભણાવવા આ પ્રકારનું કાર્ય કર્યુ હોવાનું કબૂલ્યું હતું.
માથાકૂટનો બદલો લેવા પ્રયાસ
સમગ્ર મુદ્દે એસીપી ગઢવીએ કહ્યું કે, ક્લાસીસ ચલાવનાર રઈશ શેખ અને તેના પત્ની તથા સસરા વચ્ચે અગાઉ કંઈક મુદ્દે માથાકૂટ થઈ હતી. જેથી તેમના નામે આ પત્રિકા છપાઈ હોય શકે તેવી રઈશ શેખે પોલીસને વિગતો આપી હતી. પત્રિકામાં રઈશ શેખના પર્સનલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરાયો હતો. જેથી રઈશે પોતાના સસરા સામે આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે સસરા સુલેમાન શેખની અટકાયત કરીને તપાસ કરતાં સમગ્ર કબૂલાત તેણે કરી હતી.








