અમરેલી લેટર કાંડઃ 'રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢી ઓળખ છતી કરી'- કોંગ્રેસનો CMને પત્ર
AMRELI NEWS: કથિત લેટર કાંડ મામલે હવે કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જિલ્લા કોંગ

AMRELI NEWS: કથિત લેટર કાંડ મામલે હવે કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલ ધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાના આરોપ મામલે 4 આરોપીમાં એક યુવતીનો સમાવેશ છે.
પત્રમાં દુધાતે લખ્યું છે કે, 'અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયો હતો, જેમાં પટેલ સમાજની દીકરી એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી અને પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી જેનો બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો, માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરી આપ્યું તેમ છતાં આ દીકરીને આરોપી બનાવી રાત્રે 12 વાગ્યે અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર તેનું સરઘસ કાઢતા હોય એ રીતે ચલાવીને બનાવના સ્થળ પર લઈ ગયા હતા. અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાનો અહમ સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કર્યું જેમાં કાયદો અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ મહિલા રાત્રીના સમયે ધરપકડ ના કરી શકાય અને કોઈ પણ મહિલાની ઓળખ છતી થાય એમ લોકો વચ્ચે લાવવામાં ના આવે તેમ છતાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું. આમ અમરેલી પોલીસે બંધારણીય દૃષ્ટિએ આ દીકરી સાથે અન્યાય કર્યો છે. અમરેલીમાં ગુનેગારો, બુટલેગરો, ખનીજ ચોર વગેરેના આરોપીનું ક્યારેય સરઘસ કાઢેલું નથી અને ઘણા ફરાર છે અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમને ક્યારેય પકડવામાં આવતા નથી. જેથી અમરેલી પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી અમારી માંગ છે.'
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ અમરેલી ધારાસભ્ય કૌશીક વેકરીયા વિરુદ્ધ કથિત લેટર બનાવીને સોશિયલ મીડિયાના ગ્રુપોમાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે મામલે ફરિયાદ બાદ 4ની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા સહિત 4 આરોપીની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. ત્યારે અમરેલી સાયબર ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપી સાથે પ્રથમવાર મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફીસે પહોંચી હતી. દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહીને લઈ સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફીસ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્ષમાં પૂર્વ સાંસદ નારણ કાછડીયાના કાર્યાલયની બાજુમાં આવેલી છે.
બનાવટી લેટરપેડ પર લખાયો હતો લેટર
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પોહચ્યો હતો. ઘટનામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયા દ્વારા ગુન્હો નોંધાવાયા બાદ અમરેલી SPની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર: જાહેરમાં પિસ્તોલ દેખાડીને પરિવારને ડરાવનાર વ્યાજખોરનું પોલીસે કાઢ્યું સરઘસ
મુખ્ય આરોપી યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ
મુખ્ય આરોપી મનીષ વઘાસીયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને ઉપરાંત અન્ય કાર્યકરો પણ ભાજપના જ હોવાને કારણે ખળભળાટ મચ્યો છે. ભાજપના કાર્યકરોની સંડોવણી ખુલતા અમરેલીનો જૂથવાદ સામે આવ્યો હતો. જોકે આ ઘટનાને લઈ અમરેલીના દિગજ્જ નેતાઓએ મૌન ધારણ કર્યું છે.








