મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ નેશનલ હેરાલ્ડ કેસ રદ થતા કોંગ્રેસનો ભાજપ કાર્યાલય ઘેરાવનો પ્રયાસ, પોલીસે કોંગ્રેસી નેતાઓની કરી અટકાયત 

નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂ

નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂદ્ધનો ED કેસ રદ કરવામાં આવતા દેશભર સહિત ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોર્ટના આ ચુકાદાને કોંગ્રેસે 'સત્યનો વિજય' ગણાવી અમદાવાદમાં ભાજપ કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પોલીસે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓની અટકાયત કરી છે.

'સત્યમેવ જયતે'ના નાદ સાથે કોંગ્રેસની પદયાત્રા

કોર્ટના ચુકાદા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખુશી વ્યક્ત કરવા અને વિરોધ પ્રદર્શન માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નહેરુબ્રિજ પાસે આવેલી પતંગ હોટેલ પાસેથી આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરી ખાસ હાજર રહ્યા હતા.

ખાનપુર ભાજપ કાર્યાલય ઘેરાવનો પ્રયાસ

કોંગ્રેસના કાર્યકરો 'સત્યમેવ જયતે' ના નારા સાથે ખાનપુર ખાતે આવેલા ભાજપના જૂના કાર્યાલયનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા. કોંગ્રેસના નેતાઓનું કહેવું હતું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને હવે સત્ય બહાર આવ્યું છે.

પોલીસે નેતાઓની કરી અટકાયત

કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ ભાજપ કાર્યાલય સુધી પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો રસ્તામાં ખડકી દેવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે પદયાત્રાને અટકાવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને અન્ય સેંકડો કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો