સુરતમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને નાથવા પકડાયેલા આરોપીઓને પાસા હેઠળ ધકેલવા કોંગી નેતાની માંગ
સુરતમાં ડ્રગ્સના વેચાણ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન સીટી

સુરતમાં ડ્રગ્સના વેચાણ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન સીટી અભિયાન અંતર્ગત ભજીયાથી લઈને આઈસક્રીમની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે.
કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપતા લખ્યુ કે, છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારના રાજકીય આકાઓના આશીર્વાદ નેટવર્ક ચાલી રહ્યું છે. તે સામે આવી ગયું છે. ત્યારે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર પોલીસની જે કામગીરી થઈ રહી છે. તે અભિનંદનને પાત્ર છે. પરંતુ, આ આરોપીઓને એક દાખલા રૂપ સજા થાય તે માટે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે.
કોંગી નેતાએ વધુમાં કહ્યું કે, ગૃહ મંત્રી ઘણીવાર કહેતા હોય છે કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. પરંતુ, તેમની સાથેના જ ડ્રગ્સ પેડલરના ફોટો સામે આવી રહ્યા છે. ત્યારે આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સની બદીથી બચાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. પાસાનું શસ્ત્ર પોલીસ ઉગામે તો ભલભલા આ બદી માથી મુક્ત થાય અને આવો નશાનો વેપલો કરતા બંધ થાય.






