Navsari News: હીરા ઉદ્યોગની મંદીમાં રત્નકલાકારોની હાલત કફોડી, ચેમ્બર ઓફ કોમર્સે વ્યક્ત કરી ચિંતા
નવસારી શહેરમાં હીરા ઉદ્યોગની મંદીએ રત્ન કલાકારોની જિંદગી મુશ્કેલ બનાવી છે. છેલ્લા

નવસારી શહેરમાં હીરા ઉદ્યોગની મંદીએ રત્ન કલાકારોની જિંદગી મુશ્કેલ બનાવી છે. છેલ્લા છ મહિનામાં આર્થિક સંકટને કારણે 10થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. તાજેતરમાં વિજલપોર વિસ્તારમાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર વ્યાપક બની છે.
મંદીએ બેરોજગાર બનાવ્યા
રત્નકલાકારો ઘરના હપ્તા, બાળકોની શાળાની ફી અને રોજિંદા ખર્ચ માટે સંઘર્ષ કરી રહ્યા છે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ અને ડાયમંડ એસોસિએશનના સભ્ય રાજુ દેરાસરિયાએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.છેલ્લા ચાર વર્ષથી નવસારીમાં હીરા ઉદ્યોગની મંદીએ અનેક લોકોને બેરોજગાર બનાવ્યા છે.
સરકારી મદદની માગ
કેટલાક રત્ન કલાકારો ગામડામાં પરત ફરીને ખેતી તરફ વળ્યા છે. અન્ય લોકો લારી-ગલ્લા અને છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. રત્નકલાકાર નીતિન માલવિયા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનિક સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓએ રત્ન કલાકારો માટે સરકારી મદદની માંગ કરી છે. નવસારીના સાંસદ સી.આર. પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રાહત પેકેજની માંગણી કરવામાં આવી છે.







