મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

150 લોકો સાથે છેતરપિંડી કરનાર તેજસ શાહની ટોળકી વિરુદ્ધ CID ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં ડોકટરો, બિલ્ડર અને વૃદ્ધને વિદેશ ટૂર કરાવી આપવા અને તે

150 લોકો સાથે છેતરપિંડી કરનાર તેજસ શાહની ટોળકી વિરુદ્ધ CID ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં ડોકટરો, બિલ્ડર અને વૃદ્ધને વિદેશ ટૂર કરાવી આપવા અને તેમની ટીકીટ ટ્રાવેલ્સ એજન્સીઓ મારફતે બૂક કરાવી અપાવીને ઠગાઈ કરનારા ઠગ તેજસ શાહ, યોગેશ શર્મા સહીત ત્રણ ટ્રાવેલ્સ કંપનીઓએ શહેરના જાણીતા બિલ્ડર સાથે રૂ.32.87 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે.

બિલ્ડર તેમના સાથી કર્મીઓને લઈને દુબઈ, લંડન અને સ્કોટલેન્ડ લઇ જવાના હતા. જેના માટે થઈને નારણપુરાના તેજસ શાહ પાસેથી બિઝનેસ ક્લાસની એર ટીકીટ અને હોટલના રૂમના બુકિંગ કરાવ્યા હતા. જેમાં એર ટીકીટ માટે રૂ. 11.52 લાખ, તથા જુદી-જુદી એક્ટીવીટીના થઈને કુલ રૂ.32.87 લાખ એજન્ટ તેજસ શાહને ચૂકવ્યા હતા. જેમાંથી ઠગ તેજસ શાહે બિલ્ડરને રૂ.11.71 લાખની સર્વિસ પૂરી પાડી હતી અને બાકીના રૂ.21.16 લાખ નહી ચૂકવતા આ મામલે બિલ્ડરે ગત જુન મહિનામાં સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી. જેના ચાર મહિના બાદ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

શું હતો મામલો

શહેરમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનની કંપની ધરાવતા શખ્સને વિદેશમાં જવાનું હોવાથી કંપનીના મેનેજરને કહીને ફલાઈટની ટીકીટ અને વિદેશની હોટલોમાં રૂમ બૂક કરાવવાની સુચના આપી હતી. જેના આધારે કંપનીના મેનેજરે નારણપુરાના ટ્રાવેલ્સ એજન્ટ તેજસ શાહનો સંપર્ક કરીને ફ્લાઈટની બિઝનેશ ક્લાસની 4 ટીકીટ બૂક કરાવી હતી. જેમાં ટીકીટ પેટે કુલ રૂ.11.52 લાખ તેજસ શાહને ચૂકવ્યા હતા. ઉપરાંત હોટલ બુકિંગ અને જમવા સહીતની અન્ય સુવિધા માટે થઈને કુલ રૂ.32.87 લાખ ચૂકવ્યા હતા. જયારે બિલ્ડરે પોતાની ફ્લાઈટની ટીકીટો ઓનલાઈન ચેક કરી ત્યારે ટીકીટ બૂક થયેલી જોવા મળી ન હતી. ત્યારબાદ એજન્ટ તેજસ શાહ સાથે વાત કરતા તેને જણાવ્યું કે ફ્લાઈટ અને હોટલની ટીકીટ સહીતની તમામ વ્યવસ્થાનું બુકિંગ થઇ ગયું છે. જેથી બિલ્ડર જયારે તેમની ટીમ સાથે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેઓની ફ્લાઈટની ટીકીટ બૂક થયેલી નહી હોવાનું એરપોર્ટ પરથી જાણવા મળ્યું હતું. તદઉપરાંત બિલ્ડર જયારે હોટલમાં પહોંચ્યા ત્યારે પણ કોઈ જ રૂમ બૂક કરેલો ન હતો. આખરે વેપારીએ વિદેશમાં પોતાનું કામ પૂર્ણ કરીને ભારત દેશમાં પાછા આવ્યા બાદ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી સહીત રાજ્ય પોલીસ વડા સુધી અરજી કરી હતી. ત્યારબાદ જુન મહિનામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં આ મામલે અરજી કરવામાં આવી હતી. જેના ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધીને ઠગ એજન્ટ તેજસ નીલેશ શાહ, યોગેશ રમેશભાઈ શર્મા, લીમીગો ટેકનોલોજી,બ્લીચ ટુરીઝન પ્રા.લીમીટેડ તથા જેનીથ લેજ્યુર હોલીડેજ લીમીટેડ કંપની વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

શહેરના જાણીતા ડોક્ટર અને બિલ્ડરોને કરતો હતો ટાર્ગેટ

ઠગ તેજસ શાહ અને ટોળકી ખુબ જ ચાલકી પૂર્વક ઠગાઈ આચરતી હોવાનું ધ્યાને આવ્યું છે. મોટાભાગે વૃદ્ધ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. વિદેશમાં ટૂર પર લઇ જવાના બહાને ફ્લાઈટ અને હોટલની ટીકીટ બુકિંગ કરાવવાના બહાને રૂપિયા ખંખેરી લેવામાં આવતા. સૌ પ્રથમ ટ્રાવેલ્સ એજન્સી મારફતે એર ટીકીટ બૂક કરાવવામાં આવતી ત્યારબાદ ગ્રાહક પાસેથી ફ્લાઈટની ટીકીટના સંપૂર્ણ રૂપિયા લઇ લીધા બાદ ગ્રાહકને ટીકીટનો નંબર વોટ્સએપ કરવામાં આવતો હતો. વિશ્વાસ આવી જાય એટલે બીજા અથવા તો ત્રીજા દિવસે ટીકીટ કેન્સલ કરાવી દેવામાં આવતી હતી. આ સહીત હોટલના બુકિંગના સંપૂર્ણ રૂપિયા લઈને ગ્રાહકને હોટલના વાઉચર આપવામાં આવતા હતા. ત્યારબાદ હોટલ બુકિંગ પણ કેન્સલ કરી ઠગ તેજસ શાહ એન્ડ કંપની લોકો સાથે ઠગાઈ આચરતા હતા.

આ સમાચાર શેર કરો