મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

2 કાર્યક્રમમાં એકલા પહોંચી ગયા પૂર્વ સાંસદ, વર્તમાન સાંસદની બાદબાકીની ચર્ચાએ ભાજપમાં જોર પકડ્યું

અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના ભાજપના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીને જાણે કે હજી પણ સાંસદ તરીકે ફરવાના અભરખા

2 કાર્યક્રમમાં એકલા પહોંચી ગયા પૂર્વ સાંસદ, વર્તમાન સાંસદની બાદબાકીની ચર્ચાએ ભાજપમાં જોર પકડ્યું

અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના ભાજપના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીને જાણે કે હજી પણ સાંસદ તરીકે ફરવાના અભરખા હોય તેવો ઘાટ સર્જાયો છે. પશ્ચિમ લોકસભા વિસ્તારમાં થતા સરકારી કાર્યક્રમમાં એકલા જ પહોંચી જાય છે. ભાજપ અને સરકારી પ્રોટોકોલનો તેમની હાજરીમાં જ ભંગ થઈ રહ્યો છે અને તે મૌન છે. આ પાછળ કારણ દિનેશ મકવાણા સાંસદ બનવાથી અસંતોષ કે પછી બીજું કાંઈ તેની જોરશોરથી ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. 

  • અમદાવાદ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીના સાંસદના અભરખા યથાવત
  • એક જ અઠવાડિયામાં 2 કાર્યક્રમમાં એકલા પહોંચી સાંસદ હોવાનો રુઆબ બતાવ્યો

છેલ્લા એક જ અઠવાડિયા દરમિયાન બે અલગ અલગ સરકારી કાર્યક્રમો યોજાયા. જેમાં પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીની હાજરી હતી, પરંતુ ચાલુ સાંસદ દિનેશ મકવાણાની બાદબાકી કરવામાં આવી હતી. ગત 23 ડિસેમ્બરે બહેરામપુરા વિસ્તારમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમાં કિરીટ સોલંકી હાજર હતા. આ રોડની કામગીરી માટે કિરીટ સોલંકી સાંસદ હતા ત્યારે તેમણે 20 લાખ રૂપિયા બજેટ ફાળવ્યું હતું, પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે પ્રોટોકોલ પ્રમાણે ચાલુ સાંસદની પણ હાજરી હોવી જોઈએ. જો કે અહીં તો માત્ર શહેર ભાજપના મહામંત્રી ભુષણ ભટ્ટ જ નજરે પડી રહ્યા હતા.

તો આજે શાહીબાગ ખાતે પોસ્ટ ઓફિસમાં વીર મેઘમાયાજીની પોસ્ટની બે લાખ ટિકિટો બહાર પાડવામાં આવી હતી. તેના લોન્ચિંગ કાર્યક્રમમાં પણ કિરીટ સોલંકી ઉત્સાહી થઈ પહોંચી ગયા હતા અને આ કાર્યક્રમમાં પણ દિનેશ મકવાણાની બાદબાકી કરવામાં આવી હતી.

આ અંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મને બેમાંથી એક પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જો કે પૂર્વ સાંસદ કિરીટ સોલંકીનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો નહોતો જેથી સંપર્ક થયો નહતો. 

વારંવાર કિરીટ સોલંકી દ્વારા તેમના જ વિસ્તારના ચાલુ સાંસદ દિનેશ મકવાણાની જાણી જોઈને અવગણના થતી હોય અને વિસ્તારમાં તેમનો એકનો જ દબદબો યથાવત રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાની ચર્ચા ભાજપમાં જ જોરશોરથી થઈ રહી છે.

ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે ગત લોકસભા ચૂંટણી વખતે ‘હું’ અથવા તો ‘હું નહીં તો મારો’ આ થિયરી પર કિરીટ સોલંકી દ્વારા અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે લોબિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં તે ફાવ્યા નહીં અને હવે તે પશ્ચિમ લોકસભા વિસ્તારમાં આ જ રીતે એકલા કાર્યક્રમમાં પહોંચી જાય છે અને સ્વકેન્દ્રિત રીતે જાણે કે પોતે જ હજી સાંસદ છે તેવા વિચારોમાં ફરી રહ્યા હોવાની ચર્ચા પણ ભાજપમાં જ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો