મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ શાળાની મોટી બેદરકારી: સાસણ પ્રવાસમાં ધોરણ-8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત

School Trip Accident: રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈ

Rajkot/ શાળાની મોટી બેદરકારી: સાસણ પ્રવાસમાં ધોરણ-8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત

School Trip Accident: રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ એક પરિવાર માટે કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે. સાસણ નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, રાજકોટની નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા. શુક્રવારે (19 ડિસેમ્બર) સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાસણ-તાલાલા રોડ પર આવેલા 'ધ ગીર ગેટ વે રિસોર્ટ'માં જમવા અને વિરામ માટે રોકાયા હતા. અહીં જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે ધોરણ-8માં અભ્યાસ કરતો 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર આભ ફાટ્યું

ઘટનાની જાણ થતા જ મૃતક હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાત્કાલિક તાલાલા દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં લાડકવાયા દીકરાનો મૃતદેહ જોઈને તેઓ ભાંગી પડ્યા હતા. "દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા" - પિતાના આ હૈયાફાટ કલ્પાંતે ત્યાં હાજર સૌની આંખો ભીની કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

શિક્ષકો પર ગંભીર આક્ષેપ અને હોબાળો

મૃતક વિદ્યાર્થીના પરિજનોએ શાળાના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું? 

તંત્રની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વિસાવદર ACP રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. મૃતક સગીર હોવાથી મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતકના પિતાએ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના બાદ સ્કૂલે પ્રવાસ ટૂંકાવી દીધો છે અને અન્ય વિદ્યાર્થીઓને બસ મારફતે રાજકોટ પરત મોકલી દેવામાં આવ્યા છે.

ભાજપ અગ્રણીની માલિકીની આ શાળા

તપાસમાં બહાર આવ્યું છે કે,આ નવયુગ સ્કૂલ ભાજપના આગેવાન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય જયદીપ જલુની હોવાનું સામે આવ્યું છે.  નવયુગ સ્કૂલ દ્વારા પ્રવાસ અંગે પોલીસને માત્ર 'જાણ' કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના બંદોબસ્તની માંગણી કરાઈ નહોતી. એટલું જ નહીં, પ્રવાસ પૂર્વે વાહનનું ફિટનેસ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇન્સ્યોરન્સ અંગેRTO પાસે કરાવવાનું ફરજિયાત ચેકિંગ પણ કરાવવામાં આવ્યું નહોતું. 155 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકીને આ પ્રવાસ રવાના થયો હતો.

પરિવારનો માળો વિખેરાયો

મૃતક હાર્દિક બારૈયા બે બહેનોનો એકનો એક ભાઈ હતો. શુક્રવારે રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

રાજકીય વગ સામે તંત્ર પગલાં લેશે?

નવયુગ સ્કૂલ ભાજપના આગેવાન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યજયદીપ જલુની હોવાનું ખુલ્યું છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું શિક્ષણ વિભાગ પોતાના જ સભ્યની શાળા સામે કડક કાર્યવાહી કરશે કે પછી મામલો થાળે પાડી દેવાશે?

શાળાની બેદરકારી પર યુથ કોંગ્રેસના પ્રહાર

યુથ કોંગ્રેસના આગેવાન રોહિત રાજપુત દ્વારા આ મામલે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ શાળા પ્રવાસનું આયોજન કરે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી માર્ગદર્શિકા (Guidelines) નું પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળા વહીવટી તંત્રની હોય છે.

રોહિત રાજપુતે વધુમાં ઉમેર્યું કે,  પ્રાથમિક દ્રષ્ટિએ આ આખી ઘટનામાં શાળા તંત્ર સંપૂર્ણપણે બેજવાબદાર હોવાનું દેખાઈ રહ્યું છે. માસૂમ વિદ્યાર્થીના મોત માટે જે કોઈ પણ જવાબદાર હોય, પછી તે શાળાના સંચાલકો હોય કે શિક્ષકો, તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી અને પોલીસ તપાસ થવી જોઈએ. પ્રવાસમાં ગયેલા અન્ય બાળકોની સુરક્ષા અને મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય મળે તે અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો