Video/ વિકાસના દાવા પોકળ; રસ્તામાં જ બાળકનો જન્મ, છોટાઉદેપુરમાં સગર્ભાને ઝોળીમાં ઉંચકી 108 સુધી પહોંચાડવાની મજબૂરી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસની વાતો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસની વાતો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓનો અભાવ કેટલો ગંભીર છે, તેનું એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું છે. ડુબાળમાં ગયેલ ઘુમના ગામની એક સગર્ભા મહિલાને કાચા રસ્તાઓના કારણે જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચાડવા પરિવાર મજબૂર બન્યો હતો.
કાચા રસ્તાઓ બન્યા જીવનું જોખમ
ઘુમના ગામમાં રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે ત્યાં સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. જો 108 સીધી આવવા જાય તો પણ 6 કિલોમીટરનું લાંબુ અંતર ફરીને આવવું પડે તેમ હતું. સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પરિવારે તેને ઝોળીમાં ઉંચકીને નીકળવું પડ્યું હતું. ઝોળીમાં ઉંચકીને મહિલાને પહેલા છોટીઉંમર ગામના કાચા રસ્તા સુધી પહોંચાડવામાં આવી, જ્યાંથી તેને ખાનગી જીપ દ્વારા સાંકડીબારી ગામ પહોંચાડવામાં આવી, જ્યાં 108 એમ્બ્યુલન્સ ઊભી હતી.
તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ
પ્રસૂતા મહિલાને આખરે 108માં બેસાડ્યા બાદ તેને દુગ્ધા PHCખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં માતા અને બાળક બંનેની સારવાર ચાલી રહી છે.
સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે. ખેંદા ગામના સ્થાનિક દાદુભાઈ ડુંગરા ભીલએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અવારનવાર આવી ગંભીર ઘટનાઓ બન્યા છતાં તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપતા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે: "કોઈ માતા કે બાળકના જીવ ગયા બાદ જ તંત્ર અને નેતાઓ ધ્યાન આપશે?"
નસવાડી તાલુકાના આ ગામોના કાચા રસ્તાઓનું ખાતમુહૂર્ત નેતાઓ દ્વારા ન થતા હોવાને કારણે અહીંની જનતાને આજે પણ આવી હાલાકી ભોગવવી પડી રહી છે.








