સુરત પાલિકા કમિશનર વિરુદ્ધ મુખ્યમંત્રીની ફરિયાદ, મેટ્રો સહિતના પ્રશ્નોમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોતાની સત્તાવાર ફરજ અને કામગીરીમાં બેદરકારી દાખવાતી હ

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોતાની સત્તાવાર ફરજ અને કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાથે જ મેટ્રોની કામીગીરીમાં ઉદભવતા પ્રશ્નો સહિતના મુદ્દાઓમાં નિભાવવાની થતી સેવાના નિયમોનાં ભંગ બદલ અને સુરત શહેરની પ્રજાના પ્રશ્નો અન્વયે ઉપેક્ષા અને ઉદાસીનતા દાખવવા બદલ જાહેર હિતમાં આદેશાત્મક કાર્યવાહી કરવા બાબતે મુખ્યમંત્રીને કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
મેટ્રોની કામગીરીથી પરેશાની
મુખ્યમંત્રીને થયેલી ફરિયાદ અનુસાર મેટ્રો ટ્રેનની કામગીરીનું નિયમન કરવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશ્નરની હોય છે. મેટ્રો ટ્રેનની કામગીરી કરનાર એજન્સી દ્વારા સુરત શહેરના રસ્તાઓનું આડેધડ મનસ્વી રીતે ખોદકામ કરવામાં આવી રહેલ છે.સુરત મહાનગરપાલિકાના જાહેરનામા વિના જ મનફાવે તેમ શહેરના મુખ્ય માર્ગો પણ બંધ કરી દેવામાં આવી રહેલ છે. જેને કારણે આ માર્ગો ઉપર ધંધા રોજગાર કરનારાઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવેલ છે તેમજ સામાન્ય જનતાને વાહન-વ્યવહાર માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રો રેલના કામને કારણે છેલ્લા ૧.૫ વર્ષમાં ૨૪ વખત પાણી-ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયેલ છે.
અલગ અલગ મુદ્દાઓ વણઉકેલ્યા
ખાડી અને ડ્રેનેજની સાફ સફાઇ પાછળ સુરત શહેરની જનતાના કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સુરત શહેરની જનતાને પરિણામ મળતું નથી અને દર વર્ષે એકસરખી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.રસ્તાઓ પર થતાં દબાણના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉદભવી રહ્યાં છે. ભાઠા ગામે તાપી નદી કિનારે માટી પુરાણ કરીને તાપી નદીનો ફ્લડ પ્લેન એરિયા ઘટાડાયો છે. જેની જવાબદેહી પણ કમિશનરની છે. આ સહિત વેરા સહિતની કુલ 12 ફરિયાદ કરવામાં આવી છે. જેથી તાત્કાલિક આ મુદ્દા પર મુખ્યમંત્રી ઘટતું કરીને કાર્યવાહી કરે તેવી માગ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.








