PANCHMAHAL : કોટડા ગામેથી ચાંદીપુરાનું સંક્રમણ ફેલાવતી 19 સેન્ડ ફ્લાય માખીઓ મળી આવતા પરીક્ષણમાં મોકલાઈ
Panchmahal News : પંચમહાલ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસનાં કેસો મળી આવતાં જિલ્લાન

Panchmahal News : પંચમહાલ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસનાં કેસો મળી આવતાં જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા કેસો મળી આવેલા ગોધરા તાલુકાના કોટડા ગામે અને ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોટડા ગામેથી ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 શંકાસ્પદ માખીઓ મળી આવતા પરીક્ષણ અર્થે મોકલવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાથી બે મોત
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હાલમાં નાના બાળકોમાં ચાંદીપુરમ નામનો જીવલેણ વાયરસ જોવા મળી રહ્યો છે, પંચમહાલ જિલ્લામાંથી પણ એક બાદ એક બે અલગ-અલગ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો હતો, હાલમાં બંને બાળકીઓનું સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે, ગોધરા તાલુકાના કોટડા ગામની ચાર વર્ષીય બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાળકીનું સારવાર બાદ વડોદરાની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.
અન્ય કેસ ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામેથી મળી આવ્યો હતો, જેમાં નવ વર્ષીય બાળકીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું.
હાલ તો પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. બંને જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, સાથે જ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોટડા ગામની મુલાકાત લેવામાં આવી હતી.
કોટડા ગામેથી 19 સેન્ડ ફ્લાય માખી મળી આવી
ગોધરા તાલુકાના કોટડા ગામેથી ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 માખીઓ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 19 પૈકીની ચાર માખીઓ મૃતક બાળકીના ઘરમાંથી મળી આવી હતી, હાલ તમામ માખીઓને પુણે ખાતે આવેલી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવી છે. સાથે જ કોટડા ગામના મોટાભાગના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ રાખવામાં આવી છે.








