મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાવધાન! અમદાવાદ RTOમાં આજથી શરૂ થયો AI આધારિત ડ્રાઇવિંગ ટ્રેક, સહેજ પણ ભૂલ પડી તો થશો ફેલ

અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની ક

સાવધાન! અમદાવાદ RTOમાં આજથી શરૂ થયો AI આધારિત ડ્રાઇવિંગ ટ્રેક, સહેજ પણ ભૂલ પડી તો થશો ફેલ
આ સમાચાર સાંભળો

અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કસોટીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) આધારિત નવો ટેસ્ટ ટ્રેકની આજથી(13 જુલાઈ) શરૂઆત કરવામાં આવી છે. આ અત્યાધુનિક સિસ્ટમમાં RFID ટેગ સિસ્ટમ, ફરજિયાત માર્ગદર્શક વીડિયો, ફેસ કેપ્ચર અને ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલનો સમાવેશ થાય છે. આ કડક અને ડિજિટલ કસોટીમાં અરજદારે ટુ-વ્હીલરમાં બેલેન્સ અને ચોકસાઈ જાળવીને, જ્યારે ફોર-વ્હીલરમાં રિવર્સ S, ઇંગ્લિશ 8 અને પેરેલલ પાર્કિંગ જેવા મુશ્કેલ તબક્કાઓ નિર્ધારિત સમયમર્યાદામાં અને પીળી લાઈન સંબંધિત કડક શરતો સાથે પસાર કરી પોતાની ડ્રાઇવિંગ સ્કીલ સાબિત કરવાની રહેશે.

આજથી શરૂ થયો RTOનો હાઈટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક

અમદાવાદ RTO ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને માટે AI ટેસ્ટ ટ્રેકની શરૂ કરાયો છે. સૌથી પહેલાં અરજદારે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને રજિસ્ટ્રેશન ટેબલ પરથી RFID ટેગ મેળવવાનો હોય છે. હવે ટેસ્ટ આપતા પહેલાં અરજદાર માટે ટેસ્ટની માહિતી આપતો ઇન્ફોર્મેશન વીડિયો જોવો ફરજિયાત કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી બહાર આવીને ફરીથી ટેગ કરે ત્યારે જ તેમની વીડિયો ટેસ્ટ પૂર્ણ ગણાશે. જો કોઈ વ્યક્તિ વીડિયો જોયા વગર સીધો ટેસ્ટ ટ્રેક પર જશે, તો તે સિસ્ટમમાં પકડાઈ જશે અને તેને આગળ વધવા દેશે નહીં.

વીડિયો જોયા પછી આ RFID ટેગ તમારા ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પર લગાવવામાં આવે છે. હવે નવી સિસ્ટમ મુજબ ટેસ્ટ શરૂ થતાં પહેલાં અરજદારનો ફોટો કેપ્ચર કરવામાં આવે છે અને ટ્રેક પર ટ્રાફિક સિગ્નલ પણ મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ ગ્રીન થાય પછી જ તમારે ટેસ્ટની શરૂઆત કરવાની હોય છે.

ટુ-વ્હીલરની ટેસ્ટ આપનારે ધ્યાન રાખવાની બાબતો

ટુ-વ્હીલરની વાત કરીએ તો, ટેસ્ટ શરૂ થાય એટલે 60 સેકન્ડની અંદર તમારે સરપેન્ટાઈન ટ્રેક પાસ કરવાનો હોય છે. આમાં શરતો એવી છે કે, ટેસ્ટ આપનારે બતાવેલી દિશામાં જ વાહન ચલાવવાનું છે, ટ્રેકની બંને બાજુની પીળી લાઈનો તેને હિટ કરવાની નથી. ત્રીજી અને સૌથી મહત્ત્વની શરત એ છે કે, કોઈપણ સમયે પગ નીચે મૂકવાનો નથી. જો પગ નીચે મુકશો તો તે ફૂટફોલ ગણાશે અને તમે ફેલ થશો. આ તમામ શરતોનું પાલન કરીને 60 સેકન્ડમાં બહાર આવનાર અરજદાર ટુ-વ્હીલરમાં પાસ ગણાય છે.

ફોર-વ્હીલર ટેસ્ટ માટેના મહત્ત્વપૂર્ણ તબક્કા

  • રિવર્સ S: આમાં ફોટો કેપ્ચર થઈ સિગ્નલ લીલું થાય એટલે તમારે ગાડી આગળ લઈ જઈને પછી રિવર્સ ફોર્મમાં S બનાવતા છેક છેડે આવવાનું છે. આ માટે 150 સેકન્ડનો સમય આપવામાં આવે છે. આ તબક્કામાં તમને વધુમાં વધુ બે વાર પીળી લાઈન હિટ કરવાની છૂટ છે, જ્યારે ત્રીજી વારમાં ફેલ ગણાશે. આમાં તમારે ભૂલથી પણ ગાડી આગળ નથી ચલાવવાની કે સીધી પણ નથી કાઢવાની, નહીંતર ફેલ ગણાશે.
  • ઇંગ્લિશ 8: અહીં પણ સિગ્નલ લીલું થાય ત્યારે 120 સેકન્ડનો સમય ચાલુ થાય છે. આમાં બતાવેલી દિશા મુજબ 8 આકારમાં ગાડી ચલાવવાની છે, જેમાં બે વારથી વધુ કર્બ હિટ થાય તો ફેલ કહેવાશે. આ તબક્કામાં એક ખાસ શરત એ છે કે, 3 સેકન્ડથી વધુ સમય માટે ગાડીને ઉભી રાખી શકતા નથી કે રિવર્સ પણ લઈ શકતા નથી.
  • પેરેલલ પાર્કિંગ: સિગ્નલ લીલું થયા પછી ગાડી આગળ લઈ ગયા બાદ રિવર્સમાં આપેલા બોક્સમાં ગાડી પેરેલલ પાર્ક કરવાની છે. આ માટે 130 સેકન્ડનો સમય મળે છે, પણ આમાં એક પણ કર્બ હિટ પીળી લાઈનને અડવાની છૂટ નથી, તેથી આ તબક્કો ખૂબ જ બારીકાઈ અને ધીરજથી આપવાનો રહે છે. જેમાં યોગ્ય રીતે ગાડી પાર્ક થવાથી સામે ડિસ્પ્લે બોર્ડ પર 'વેહિકલ પાર્કડ મૂવ અહેડ' લખાઈને આવી જશે.

છેલ્લે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે, પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢતી વખતે પણ ગાડી પીળી લાઈનને અડવી જોઈએ નહીં. આ ઉપરાંત, કોઈ ખાસ કિસ્સાઓમાં કોઈ મુશ્કેલી જણાય તો વીડિયોને એવિડન્સ તરીકે જોઈને રી-ટેસ્ટ આપવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો