BZ કૌભાંડ: કપડવંજના રોકાણકારે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ મયુર દરજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
કપડવંજના રોકાણકારે નોંધાવી ફરિયાદ
BZ ગ્રુપની સ્કીમમાં મયુર દરજી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો. મયુર દરજીએ દર મહિને 3 ટકા વ્યાજ તથા વાર્ષિક અથવા ફીક્સ એફ.ડી પર વાર્ષિક 48 % તથા બે વર્ષ માટે રોકાણ કરો તો 120% જેટલુ ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચો આપી કપડવંજના કમલેશભાઇ મનુભાઇ ચૌહાણ પાસેથી જૂન 2024માં રૂ.10,000 નું તથા મિનેષ પ્રજાપતિ પાસેથી 2 લાખનું રોકાણ કરવાયું હતું. જે બાદ આજ દિન સુધી રોકાણ અંગેનો એગ્રીમેન્ટ કે રોકાણ કરેલ નાણાં પરત આપ્યા નથી. જે અંગે ફરિયાદી કમલેશભાઇ મનુભાઇ ચૌહાણે BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા, એજન્ટ મયુર દરજી અને તેના મળતીયાઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ
CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે. આરોપી ઝાલા દ્વારા ટૂંકા સમયમાં જ 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. આરોપી ઝાલાની 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમ મામલે કોઈપણ પ્રકારની જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.






