'મને ફસાવવાનો પ્રયાસ' ભૂપેન્દ્રસિંહની કોર્ટમાં આગોતરા જામીન અરજી, BZ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ ફરિયાદ
BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ 6000 કરોડ કર

BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ 6000 કરોડ કરતા વધુની ઠગાઇ આચરી છે. CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ ઘટનામાં નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. બીજી તરફ BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે અને પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
BZ ગ્રુપના સંચાલકે કરી આગોતરા જામીન અરજી
BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોલીસથી બચવા માટે હવાતિયા શરૂ કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે 18 કોલેજ ચાલતી હોવાની અને પોતે સેવાભાવી આગેવાન હોવાની કોર્ટમાં દાદ માંગી છે. પોલીસે માત્રને માત્ર માલાફાઈડ ઇન્ટેન્શન રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નનામી અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને તે કાયદાથી વિપરીત હોવાનો પણ દાવો કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બિનજરૂરી હેરાનગતિ અને છબી ખરડાવવા માટે પણ ફરિયાદ નોંધાઇ હોવાનો પણ દાવો કર્યો છે. આ સાથે જ ઇન્વેસ્ટર્સે પૈસા આપ્યા હોય અને તેનો દુરઉપયોગ થયો હોય એવો પણ બનાવ સામે આવ્યો ન હોવાનો દાવો કોર્ટમાં કરેલી અરજીમાં કર્યો છે. હવે આ મામલે 6 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
BZ ગ્રુપના રોકાણકારોને નથી મળ્યું પેમેન્ટ
BZ ગ્રુપમાં દર મહિનાની 5 તારીખે રોકાણકારોને પેમેન્ટ મળતું હોય છે પણ હજુ સુધી રોકાણકારોને પેમેન્ટ મળ્યું નથી.
BZ ગ્રુપમાં રોકાણ કરેલા રોકાણકારોને 2 વિકલ્પ આપવામાં આવતા હતા જેમાં એક વિકલ્પ તરીકે દર મહિનાની 5 તારીખે સવારે 5 વાગ્યે પોતાના એકાઉન્ટમાં રોકાણનું વળતર મળશે અને બીજા વિકલ્પમાં દર મહિનાની તારીખ 15 કે 20મીએ કેશ વળતર મળશે.જોકે, 5 ડિસેમ્બર થઇ હોવા છતા રોકાણકારોના ખાતામાં પોતે રોકેલા રૂપિયાનું વળતર એટલે કે વ્યાજ આવ્યું નથી જેને લઇને રોકાણકારોમાં ચિંતા વધી છે.રોકાણકારો હવે BZ ગ્રુપ સામે ફરિયાદ કરવા માટે બહાર આવી શકે છે.
BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ CIDમાં ગુનો નોંધાયો
BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. અલગ અલગ જગ્યાઓ પર ઓફિસ ખોલીને અનેક લોકો પાસે રોકાણ કરાવતા હતા. દર મહિને 5થી 30 ટકા રોકાણના નામે આ કંપનીઓ દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હતી. ચેઇન બનાવવાનું જણાવી રોકાણકારોને લાલચ આપીને ખુલ્લેઆમ લૂંટવામાં આવતા હતા. BZ ગ્રુપ સાથે સંકળાયેલી આ કંપનીઓએ 50 કરોડ જેટલું રોકાણ કરી રોકાણકારોને પૈસા ના આપીને ઠગાઇ આચરી છે.
આ પણ વાંચો: શિક્ષક-ક્રિકેટરો પછી BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની IPS અધિકારી સાથે તસવીર વાયરલ
CID ક્રાઇમ દ્વારા આર.કે.એન્ટરપ્રાઇઝના CEO હરપાલસિંહ ડાભી, હરસિદ્ધિ ફાયનાન્સ સર્વિસના CEO અજયસિંહ પરમાર તેમજ કે.કે.એન્ટરપ્રાઇઝના CEO સામે ફરિયાદ નોંધવામાં આવી છે. CID ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખા (EOW) પીઆઇએ ફરિયાદ નોંધાવી છે. BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે સાથે BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓના CEO પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.








