BZ કૌભાંડ: ભાજપ સાથે ભુપેન્દ્રસિંહના ગાઢ સંબંધ, CIDને મળી લેખિત ફરિયાદો; એજન્ટ શિક્ષકોની માહિતી મંગાવાઈ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રો

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
વકીલ અને નિવૃત્ત શિક્ષકે કરી લેખિત ફરિયાદ
BZ કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો જ એજન્ટ હોવાનો ખુલાસો થયો છે. શિક્ષકોએ એજન્ટ બની નિવૃત્ત શિક્ષકોને બીઝેડ સ્કેમમાં ફસાવ્યા હતા. નિવૃત્ત શિક્ષકોને પીએફ સહિત મળેલા લાખો રૂપિયા પર પોસ્ટ - બેંક કરતા વધુ વળતરની લાલચ આપી ફસાવવામાં આવ્યા હતા. વડાલીના વકીલ અને નિવૃત શિક્ષકનું બીઝેડ ગ્રુપમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. BZના એજન્ટે આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ કટારાએ રોકાણ કરાવ્યું હતું. નરેશ કટારા લાંબડીયાની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. વકીલ અને નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઈમને લેખિત ફરિયાદ કરી છે.
એજન્ટ શિક્ષકો પર આકરી કાર્યવાહી થશે - સાબરકાંઠા DPEO
BZ કૌભાંડમાં સરકારી શિક્ષકોની સંડોવણી સામે આવતા સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી તેજ કરી છે. સાબરકાંઠા DPEO કેયૂર ઉપાધ્યાયે પોન્ઝી સ્કીમ મામલે જાણકારી આપી છે કે સ્કીમમાં જોડાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાશે. શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાશે. શિક્ષણ વિભાગે આચાર્યો, તાલુકા અને જૂથ સ્તરના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. શિક્ષકોની પ્રવૃત્તિઓ જાણવા અને બીઝેડ સાથે સંકળાયેલાનો અહેવાલ તૈયાર કરાશે. મીડિયામાં એજન્ટ શિક્ષકોના નામ સામે આવતા માહિતી આધારે પણ તપાસ શરુ કરાઈ છે.
ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રી પુત્ર અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખનો વીડિયો
BZ group ઠગ ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રીના પુત્ર અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અગાઉ MLA અને મંત્રી ભીખુસિંહ પરમારનો ઠગ ભુપેન્દ્ર ઝાલાના વખાણ કરતો વીડિયો વાયરલ થયો હતો. BZ groupના મૈત્રી ટ્રસ્ટમાં મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે. મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલને ઠગ ભુપેન્દ્ર ઝાલાએ ગાડી પણ ગિફ્ટ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. અવારનવાર ઠગ ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ ઠગ ભુપેન્દ્ર ઝાલાના ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે.








