BZ કૌભાંડ: એજન્ટ મયુર દરજીએ રોકાણકારોને કરાવ્યું 1 કરોડથી વધુનું રોકાણ, ભુપેન્દ્રસિંહ હજુ પોલીસ પકડથી દૂર
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ તેની કંપનીમાં રોકાણ પર ત્રણ વર્ષમાં બમણા અને પ્રતિમાસ ૩ ટકા સુધીનુ વ્યાજ આપવાની લાલચ આપીને છ હજાર કરોડ રૂપિયાનું સૌથી મોટુ કૌભાંડ આચરીને અનેક લોકોની બચતના નાણાં પડાવી લીધા હતા.
BZ ગ્રુપ દ્વારા BZ ફાઇનાન્સના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમને ટીમને અનેક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિઓ અને અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા. જો કે હવે આ મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે.
એજન્ટ મયુર દરજીએ BZ સ્કીમમાં 1 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું
BZ કૌભાંડની તપાસમાં CID ક્રાઈમને મહત્વની જાણકારી મળી છે. CID ક્રાઈમને રેડ દરમિયાન મળેલા એગ્રીમેન્ટની તપાસ કરતા રોકાણકારો અને એજન્ટોની વિગતો સામે આવી છે. આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે કુલ 39 રોકાણકારોને BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું છે. એજન્ટ મયુર દરજીએ પોતાના પરિવાર અને અન્ય લોકોનું રૂ.10 હજારથી લઈ 10 લાખ સુધીનું BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હોવાની માહિતી મળી છે. મયુર દરજીએ કુલ 39 રોકાણકારોના કુલ રૂ.1,09,81,000નું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીના SBI એકાઉન્ટમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના એકાઉન્ટમાંથી રૂ. 15.60 લાખનું રોકાણકારોને રોકાણ કરાવી કમિશન પેટે મેળવ્યા હતા. BZ કૌભાંડ મામલે રોકાણકારો CID ક્રાઈમને નિવેદન આપવા અને ફરિયાદ લખાવવા માટે આવી રહ્યા છે, જેના નિવેદન અને દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે. મયુર દરજીની જામીન અરજી પર CID ક્રાઈમે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે.
7 આરોપીઓની ધરપકડ
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત BZના સ્ટાફ સાથે CID ક્રાઇમે 7 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજી અને અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓ વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સીઆઈડી ક્રાઈમની તપાસ
BZ ગ્રુપના કૌભાંડ મામલે હવે તપાસનો રેલો પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતા. સીઆઈડી ક્રાઈમની ટીમે સાબરકાંઠામાં હિંમતનગરના પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં પીઆઈ ફરજ તરીકે બજાવે છે. હિંમતનગર - ઈડર રોડ પર આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરના બંગલામાં તપાસ કરાઈ હતી. જો કે સર્ચ દરમિયાન સીઆઈડી ક્રાઈમને કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નહતી. પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલ કાર પોલીસ ઇન્સ્પેક્ટરને ભેટમાં અપાઈ હતી. વૈભવી કારને લઈને પણ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે.
'કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે' - BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું હતું કે, “BZ નામે ચાલતા જે પોન્ઝી સ્કીમ છે, કોઇ પણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈપણ ફરિયાદ વગર આ પ્રકારે જાણકારી પોલીસને પ્રાપ્ત થઇ, ભૂપેન્દ્ર પટેલની સરકાર જ આ કામ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ હોય કેવા પણ વ્યક્તિ હોય, રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના કૌભાંડને ધ્યાન પર આવતા CID ક્રાઇમ દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. નાગરિકોનું અહિત કરતા હોઈ તેવા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે.”
કપડવંજના રોકાણકારે નોંધાવી ફરિયાદ
BZ ગ્રુપની સ્કીમમાં મયુર દરજી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો. મયુર દરજીએ દર મહિને 3 ટકા વ્યાજ તથા વાર્ષિક અથવા ફીક્સ એફ.ડી પર વાર્ષિક 48 % તથા બે વર્ષ માટે રોકાણ કરો તો 120% જેટલુ ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચો આપી કપડવંજના કમલેશભાઇ મનુભાઇ ચૌહાણ પાસેથી જૂન 2024માં રૂ.10,000 નું તથા મિનેષ પ્રજાપતિ પાસેથી 2 લાખનું રોકાણ કરવાયું હતું. જે બાદ આજ દિન સુધી રોકાણ અંગેનો એગ્રીમેન્ટ કે રોકાણ કરેલ નાણાં પરત આપ્યા નથી. જે અંગે ફરિયાદી કમલેશભાઇ મનુભાઇ ચૌહાણે BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા, એજન્ટ મયુર દરજી અને તેના મળતીયાઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.








